મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 3 એપ્રિલ 2021 (21:41 IST)

કોવીડ વાયરસની સંક્રમણ-સાંકળ તોડવામાં વેક્સિન અસરકારક ઈલાજ: ડો. અતુલ પટેલ

દેશમાં અને ગુજરાતમાં જ્યારે કોવીડના કેસ વધી રહ્યા છે ત્યારે “ગુજરાત કોવીડ ટાસ્કફોર્સ”ના સભ્ય અને ચેપી રોગના નિષ્ણાત તબીબ ડો. અતુલ પટેલે ભારપૂર્વક જણાવ્યું છે કે, કોવીડ વાયરસની સંક્રમણ-સાંકળ તોડવામાં વેક્સિન એ જ અસરકારક ઈલાજ છે. ડો. પટેલે કહ્યું કે, વેક્સિનના બે ડોઝ લીધા હોય તે કિસ્સામાં વ્યક્તિમાં ચેપની શક્યતા ઘટી જાય છે. 
 
ડો. પટેલે અમદાવાદમાં પત્રકારોને સંબોધતા સ્પષ્ટ કર્યું હતું કે, કોવીડ સંક્રમિત વ્યક્તિના ઈલાજમાં રેમડેસીવર ઈન્જેકશન એ લાઈફ સેવિંગ દવા નથી.રેમડેસિવીરથી માત્ર દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય પાંચ દિવસ જેટલો ઘટાડી શકાય છે, એ જ તેનો લાભ છે.
 
રેમડેસિવીરના આડેધડ વપરાશ અંગે ચેતવતા ડો.અતુલ પટેલ જણાવ્યું હતું કે રેમડેસિવીર ઈન્જેકશનથી શારીરિક રીતે સાઈડ ઈફેક્ટ થાય છે તેમ જ દર્દીના માથે ખોટા ખર્ચનો બોજો આવે  છે. ડો. પટેલે ઉમેર્યું હતું કે ,સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીના કિસ્સામાં  કિસ્સાઓમાં રેમડેસિવીરનો ઉપયોગ થઈ રહ્યો છે તે ઠીક નથી.  
 
ડો. પટેલે કોવીડ સંક્રમણના નવા વેરિઅન્ટ્સ અંગે ચેતવતા કહ્યું કે, આ વેવમાં યુવાનો પણ સંક્રમિત થઈ રહ્યા છે, તેમ જ સમગ્ર પરિવાર તેનો ભોગ બનતો જોવા મળી રહ્યો છે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ એ અત્યંત અનિવાર્ય છે. તેમણે પ્રજાજનોને અપીલ કરતા કહ્યું કે, સામાજિક મેળાવડાઓમાં જવાનું ટાળો.
 
અતુલ પટેલે  ત્રણ બાબતો પર ભાર મૂક્યો – ૧. સોશિયલ ડિસ્ટન્સિંગ ૨. સેનિટાઈઝેશન ૩. માસ્ક પહેરો. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સિંગ એ સૌથી વધારે અગત્યનું પરિબળ છે.    
 
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ડો. તુષાર પટેલે લોકોને વેક્સિનેશનના અભિયાનમાં જોડાવા અપીલ કરતા કહ્યું હતું કે કુલ વસ્તીના ૭૦ ટકા વસ્તીનું વેક્સિનેશન થાય તે ઈચ્છનીય છે. ડો. તુષાર પટેલે વેકિસન બાદ દર્દીઓને તાવ આવવો, માથુ દુખવુ કે અન્ય કોઈ લક્ષણોને સામાન્ય ગણાવતા કહ્યું કે ખરેખર તો આ રસીની આડઅસર નથી, પણ અસર છે. તેથી લોકોએ ગભરાવું ન જોઈએ. 
 
આ અવસરે ઉપસ્થિત ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચ.જી.કોશિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, રેમડેસિવીરના ઈન્જેકશનની અછત નથી. અને આજની સ્થિતિએ કુલ ૫૪ હજારથી વધુ ઈન્જેકશનનો જથ્થો ઉપ્લબ્ધ છે.તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, આ ઈન્જેકશન હોસ્પિટલને  સ્ટોકિસ્ટ અને ડિસ્ટ્રીબ્યુટર થકી જ ઉપ્લબ્ધ બને છે. જો કે, તેના પુરવઠો અવિરત જળવાઈ રહે તે માટે ૫૦ દુકાનોને ઓથોરાઈઝ્ડ કરવામાં આવી છે.