સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 26 માર્ચ 2020 (15:00 IST)

ગુજરાતમાં ક્વોરન્ટાઇનમાંથી ભાગનારા 236, બીનજરૂરી બહાર ફરતાં 490ની ધરપકડ

કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં તેનો અમલ એક દિવસ પહેલાથી જ એટલે કે સોમવારે રાત્રે 12 વાગ્યાથી જ શરૂ થઇ ગયો હતો. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, લૉકડાઉન લાગુ થયા બાદ અત્યારસુધીમાં જાહેરનામાના ભંગના 490 અને ક્વોરન્ટાઇન કાયદાના ભંગના 236 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કુલ 897 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં જ જાહેરનામાના ભંગના 191 અને ક્વોરન્ટાઇન ભંગના 89 ગુના નોંધી 353 આરોપીઓને પકડવામાં આવ્યા છે. લૉકડાઉનનો કડકાઇથી અમલ કરાવવા માટે હવે નેશનલ ડિઝાસ્ટર એક્ટ હેઠળ પાસ સિસ્ટમ શરૂ કરાશે. જે મુજબ જીવન જરૂરિયાત ચીજવસ્તુ, દૂધ- શાકભાજી તેમજ દવાની દુકાનના વેપારીઓને પાસ ઇશ્યૂ કરવામાં આવશે. જેથી માત્ર પાસધારકો જ રસ્તા ઉપર નીકળી શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે.
આ ઉપરાંત અમદાવાદનાં ચાંગોદર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા જે.વી.આર પાવરટેક નામની કંપનીના માલિક વિનોદ પટેલે ઓફિસ ચાલુ રાખતા અને ચાંગોદરમાં મહાગુજરાત એસ્ટેટમાં ક્રિષ્ના પાન પાર્લર ચલાવતા કિશોર યાદવે ગલ્લો ચાલુ રાખી સાતથી વધુ લોકોને ભેગા કરતા બંને લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો છે.
શહેરમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે સરકારે ચાર કરતાં વધારે માણસો ભેગા ન થવા દેવાનો આદેશ આપ્યો છે ત્યારે  પૂર્વ વિસ્તારમા જાહેરનામાનો ભંગ કરીને રસ્તે ઉતરી આવેલા રામોલમાં 54 લોકો સહિત અલગ-અલગ વિસ્તારમાંથી કુલ 121 લોકોની અટકાયત કરી હતી. તમામ લોકો સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો છે.