શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 30 માર્ચ 2020 (20:41 IST)

રાજકોટના શહેરીજનોને હવે ઘેર બેઠા દૂધ મળી રહેશે

રાજકોટના શહેરીજનોને હવે ઘેર બેઠા દૂધ મળી રહેશે
 
કોરોનાની મહામારી ફેલાતી અટકાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પગલાં ભરવામાં આવી રહ્યા છે જે અન્વયે ૨૧ દિવસનું લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટના શહેરીજનોને ઘેર બેઠા ફોર્ટીફાઇડ દૂધ અને તેના ઉત્પાદનો ઉપલબ્ધ કરાવી માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની એ મહામારી સામેના અભિયાનમાં નોંધપાત્ર યોગદાન આપી તેનું સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે
            રાજકોટ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસોને ધ્યાને લઈ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા અસરકારક પગલાં ભરવામાં આવી રહ્યા છે, અને આ માટે જિલ્લામાં લોકડાઉનનો ચૂસ્તપણે અમલ થાય તે માટે લોકો ઘરે જ રહે અને બહાર ન નીકળે તે માટે અનેક અપીલ પણ કરવામાં આવી છે. જિલ્લાના વહીવટી તંત્રની મહામારી સામે લડત આપવાની આ ઝુંબેશમાં યોગદાન આપી શકાય અને લોકોની દૂધ માટેની જરૂરિયાત ઘેર બેઠા સંતોષી શકાય તે માટે માહી મિલ્ક પ્રોડયુસર કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી યોગેશ પટેલ અને ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ડો. સંજય ગોવાણીએ ત્વરિત નિર્ણય લઈને રાજકોટના શહેરીજનોને ઘર બેઠા દૂધ મળી રહે તે માટેની આગવી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડયું છે.  
            માહીના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી યોગેશ પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, મહામારીના આ સમયમાં માહી કંપની પણ સરકારની સાથે છે. લોકડાઉનના સમય દરમિયાન રાજકોટના શહેરીજનો ઘરની બહાર ન નિકળે તે માટે તેમને દૂધનો જરૂરી જથ્થો ઘર બેઠા જ મળી રહે તેવું અમે આયોજન કર્યું છે. આ માટે કોઈપણ વ્યક્તિ વ્હોટસએપ નંબર ૯૭૨૬૪ ૦૦૭૦૧ ઉપર મેસેજ મોકલશે તો તેને જરૂરિયાત મુજબનો દૂધનો પુરવઠો પહોંચાડવામાં આવશે. અમારા આ અભિયાનને શહેરીજનોનેો બહોળો પ્રતિસાદ સાંપડયો છે.
            તેમણે વધુમાં શહેરીજનોને લોકડાઉનના સમયગાળા દરમિયાન ઘરમાં જ રહેવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, દૂધ અને તેના ઉત્પાદનો લેવા માટે આપ સૌને બહાર નીકળવાની જરૂરત ના રહે અને સૌ શહેરીજનોની તબિયત સચવાઈ રહે તે માટે માહી કંપની દ્વારા આપના આંગણે વિટામિન ‘એ’ અને ‘ડી’ યુક્ત દૂધ ઉપલબ્ધ કરાવાયું છે. જેથી લોકડાઉનનું ચુસ્ત રીતે પાલન થઈ શકે. આ માટે કંપનીના કર્મચારીઓ કાર્યરત છે.
            અત્રે ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા આ સુવિધા શરૂ કરવામાં આવી છે તે કોઈપણ જાતના વધારાના ચાર્જ લીધા વીના ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધા ઉપલબ્ધ બનતા દૂધ અને તેના ઉત્પાદનો લેવા માટે લોકોને ઘરની બહાર નીકળવું નહિ પડે લોકો માત્ર વોટ્સએપ દ્વારા ઓર્ડર આપી ઘેર બેઠા દૂધ મંગાવી શકશે.