ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 એપ્રિલ 2020 (19:37 IST)

ગુજરાતમાં બાંધકામ સહિતની ઔદ્યોગિક અને આર્થિક પ્રવૃત્તિને શરતોને આધિન મંજૂરી અપાશે

દેશમાં 14 એપ્રિલના રોજ પૂર્ણ થનાર લોકડાઉનની સમય મર્યાદા લંબાવીને 3 મે સુધી કરવામાં આવી છે પણ જે વિસ્તારમાં કોરોના વાયરસના સંક્રમણની અસર નથી અથવા નહિવત્ છે ત્યાં બાંધકામ સહિતની ઓદ્યોગિક અને આર્થિક પ્રવૃત્તિને શરતોને આધિન મંજૂરી આપવાની જાહેરાત ગુરૂવારે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર દ્વારા કરવામાં આવી છે. કોરોના હોટસ્પોટ અને ક્લસ્ટરમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિને કે કોઈને સ્વરોજગાર માટે અવર-જવરની છુટ આપવામાં આવશે નહી. શહેરોમાં બાંધકામ શરૂ કરવાની કોઈ મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે એ સિવાયના વિસ્તારમાં કડક શરતોના પાલન સાથે મંજૂરી આપવામાં આવશે. આ જ રીતે લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ કદના ઉદ્યોગોને પણ કામકાજ શરૂ કરવાની છુટ અપાશે. આ ઉપરાંત ગુજરાતમાં પ્લમ્બર, કાર્પેન્ટર, સુથાર, ઈલેક્ટ્રિશ્યન જેવા લોકો 20 એપ્રિલ બાદ કામ કરી શકશે. આવા કેટલાક લોકો કે જેઓ સ્વરોજગારી મેળવનારા છે તેઓએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે. બાંધકામ સાઈટ ઉપર આવનાર કારીગરોને ડેવલપર્સ દ્વારા રહેવા અને જમવાની સુવિધા કરી આપવી પડશે. આ વ્યવસ્થામાં કારીગરના ચેકઅપ માટે થર્મલ ગન, સેનિટાઝેશન, સોશિયલ ડિસ્ટન્સિગ જળવાયેલું રહે તેવી કેટલીક મહત્વની બાબતો પર વિશેષ ધ્યાન આપવું પડશે. જો ડેવલપર્સ પાસે કારીગરોને રહેવા માટે સુવિધા ન હોય તો તેમને લાવવા મુકવાની વ્યવસ્થા કરવાની રહેશે. આ જોગવાઇઓ એમએસએમઈ એ પણ પાળવી પડશે. સચિવ અશ્વિની કુમારે વધુમાં જણાવ્યું કે, 20 એપ્રિલથી ભારત સરકારની ગાઇડલાઇન્સ મુજબ ઉદ્યોગો અને અન્ય પ્રવૃત્તિઓને મંજૂરી માટે કલેકટરના અધ્યક્ષપણા હેઠળ એક સાત સભ્યની કમિટી બનાવવામાં આવી છે. જેમાં જીઆઇડીસીના વડા, જિલ્લા રોજગાર અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ફેકટરી અધિકારી, મ્યુનિસિપાલીટીના નાયબ કમિશનર તથા સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરનો સમાવેશ થાય છે.