મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 એપ્રિલ 2020 (13:22 IST)

હોટસ્પોટ, કન્ટેઇનમેન્ટ અને રેડ ઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર નહીં આવવા સૂચના

ગાંધીનગર નર્મદા નિગમના કર્મચારીના મૃત્યુ બાદ સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હોટસ્પોટ, કન્ટેઇનમેન્ટ, રેડ ઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદના સંક્રમિત વિસ્તારમાંથી આવતા કર્મચારીઓને રાહત આપવામાં આવી છે. રાજકોટમાં વધુ એક પોઝિટિવ દર્દી નોંધાતા ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3,549 પર પહોંચી છે. રાજ્યમાં નવા 247 દર્દીઓનો ઉમેરો થયો હતો. જેમાંથી 197 કેસ તો ખાલી એકલા અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં 30 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 11 દર્દીઓના મોત નીપજતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 162એ પહોંચ્યો છે. તેમજ નવા 81 દર્દી સાથે કુલ 394 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ અન્ય રાજ્યોની સરખામણીએ દર્દીઓના સાજા થવાનો દર થોડો ધીમો છે અને તેનાથી વિપરીત જોઇએ તો દર્દીઓના મૃત્યુનો દર બીજા રાજ્યો કરતાં વધુ છે. મોટાભાગના કિસ્સામાં ગુજરાતમાં કોમોર્બિડિટીનું પ્રમાણ વધુ હોવાને કારણે તથા વાઇરસના સ્ટ્રેઇનમાં અન્ય રાજ્યો કરતાં ફરક હોવાને કારણે આમ બને છે. આ અંગે ગુજરાતના તજજ્ઞો સંશોધન કરી રહ્યાં છે અને તેને આધારે તેમાં કેવી રીતે વર્તવું તેનો ખ્યાલ આવશે.