મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 28 એપ્રિલ 2020 (10:05 IST)

ટેલિ મેડીસીન થકી કોરોનાની સારવાર આપવા નવો પ્રોજેક્ટઃ આરોગ્ય સચિવ જયંતિ રવિ

કોરોના વાયરસનું સંક્રમણ થતું અટકાવવા અને અન્ય રોગોના દર્દીઓને માર્ગદર્શન માટે રાજ્ય સરકારે ટેલિ મેડીસીન થકી સારવાર આપવા નવતર પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેમાં એમ.ડી ફિઝિશિયન, એમ.ડી પ્રિડ્રિયાટ્રિશિયન, ડર્મેટોલોજીસ્ટ અને ગાયનેકોલોજીસ્ટ જેવા તજજ્ઞો દ્વારા સવારે 10 થી સાંજના 5 સુધી માર્ગદર્શન આપવામાં આવે છે, જેનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ છે. આરોગ્ય કમિશનરની કચેરીએથી તેનું સંકલન કરાઈ રહ્યું છે.
31 જિલ્લાના નાગરિકો ટેલિ મેડીસીનનો લાભ લઈ રહ્યા હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. ઉપરાંત રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરસના સંક્રમણે અટકાવવા માટે રાજ્યનું વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ અને પ્રતિબધ્ધ છે. રાજ્યમાં જે પોઝીટીવ કેસો નોંધાયા છે તે પૈકી 89 ટકા કેસો અમદાવાદ, સુરત અને વડોદરાના છે.
જ્યારે 27 જિલ્લામાં 11 ટકા પોઝીટીવ કેસો હોવાનું તેમણે ઉમેર્યું છે. સમગ્ર રાજ્યમાં રવિવારે એક જ દિવસમાં કુલ 230 નવા કેસ અને 19ના મોત થતા કુલ દર્દીઓ 3301 થયા છે જ્યારે મૃત્યુઆંક 152 થયો છે. આજે વડોદરામાં કોરાનાને કારણે એક મહિલા દર્દીનું મોત થયું છે. જ્યારે બોટાદમાં 6 વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.