કોરોનાના ટેસ્ટ વધારો અને સંક્રમણનું અસલી ચિત્ર રજૂ કરોઃ ગુજરાત હાઈકોર્ટ

Last Modified બુધવાર, 5 ઑગસ્ટ 2020 (13:02 IST)

કોરોના ટેસ્ટિંગની લેબ શરૂ કરવાના મામલે હાઇકોર્ટે નોંધ્યું છે કે, ભરૂચ, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, મહિસાગર, બોટાદ, ખેદાડ, મોરબી, છોટા ઉદેપુર, આણંદ અને અરાવલ્લી જિલ્લામાં કોરોના ટેસ્ટ માટે લેબ નથી. આ 11 જિલ્લાઓમાં કોરોના ટેસ્ટિંગ માટેની લેબ નથી ત્યારે અમે શા માટે અહીં લેબ શરૂ કરવાનો આદેશ સરકારને ન કરીએ. સરકારને કોઇ પણ આદેશ કરતાં પહેલા તેમનું વલણ સ્પષ્ટ થાય એવું અમે ઇચ્છીએ છીએ. ICMR, WHO, સ્વાસ્થ્ય મંત્રાલય અને દુનિયાભરના દેશો વધુમાં વધુ ટેસ્ટિંગ કરાવવા પર હાલના તબક્કે ભાર આપી રહ્યા છે અને વૈશ્વિક સ્તરે પણ મહત્તમ ટેસ્ટ કરવાની બાબત જ કેન્દ્રસ્થાને છે. ત્યારે કોરોનાના ટેસ્ટ કરાવવાની યાદીમાં ગુજરાત સૌથી નીચલા ક્રમે કેમ છે. સરકાર જોડે આ સવાલ કોઇ વ્યાજબી જવાબ પણ નથી. તેથી સમગ્ર રાજ્યમાં એક સપ્તાહ સુધી કોરોનાના રેન્ડમ ટેસ્ટ કરો અને કોરોના વાયરસના સંક્રમણનું રાજ્યનું અસલી ચિત્ર રજૂ કરો. હાઇકોર્ટે નોંધ્યું છે કે,‘ સરકારની દલીલ છે કે, ટેસ્ટ્સ 70 ટકા જ સચોટ હોય છે. તેથી ટેસ્ટ ઓછાં કરવામાં આવ્યા છે. પરંતુ સમગ્ર વિશ્વ મહત્તમ ટેસ્ટ પર ભાર આપી રહ્યું હોય ત્યારે રાજ્ય સરકારે પણ આ મુદ્દે નિષ્ણાંતોની મદદ લઇ યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ.’આ તરફ રાજસ્થાન હોસ્પિટલની બેદરકારીથી સમયસર સારવાર નહીં મળતા દર્દીના મોતના કિસ્સામાં રાજ્ય સરકારે મગજનો ઉપયોગ કર્યો છે કે કેમ એવો આશ્ચર્ય હાઇકોર્ટે વ્યક્ત કરતાં નોંધ્યું છે કે,‘રાજસ્થાન હોસ્પિટલમાં અત્યંત દુખદ અને કમનસીબ ઘટના બની હતી અને દર્દીનું સારવારના અભાવે મૃત્યુ થયું હતું. આ મામલે સરકારના જવાબથી અમે સહેજ પણ સંતુષ્ટ નથી. હોસ્પિટલને તંત્રએ 77 લાખનો દંડ તો કર્યો પરંતુ આજદિન સુધી એ રૂપિયાની રિકવરી કરી નથી. માસ્કના મામલે હાઇકોર્ટે ખૂબ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને નોંધ્યું છે કે,‘કોરોના જેવી મહામારીમાં જ્યારે માસ્ક તેની સામે લડવા માટેનું એક માત્ર હથિયાર હોય ત્યારે માસ્ક પહેરવાના નિયમનો અમલ નહીં કરવાનો ગુનો એક ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’ના ગુના જેટલું જ જઘન્ય છે. કેમ કે બંને ગુનામાં વ્યક્તિ પોતાને જ નહીં બીજાની જિંદગી પણ જોખમમાં મૂકે છે. WHOના જણાવ્યા મુજબ બાળકોને સંક્રમણનું જોખમ વધુ છે, ત્યારે માસ્ક ન પહેરીને એમને જોખમમાં મૂકી શકાય નહીં. જો માસ્ક ન પહેરનાર 300-400 લોકો પણ હશે તો વાયરસ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્તરે પહોંચી શકે છે.આ પણ વાંચો :