મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 જુલાઈ 2020 (15:19 IST)

સુરતમાં તંત્ર માનવતા ભૂલ્યુંઃ બસમાં જગ્યા નથી કહીને નીચે ઉતારી દીધેલ દર્દીનું ગણતરીના કલાકોમાં મોત

સુરતમાં ‘બસમાં જગ્યા નથી કહીને કોરોનાની મહિલા દર્દીને પાલિકાની ટીમે અધવચ્ચે જ ઉતારી દીધી હતી. ઘરે આવીને ગણતરીના કલાકોમાં જ મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યારે સુરતમાં ફરી એકવાર પાલિકાની ટીમ પર સવાલો ઉભા થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની સ્મીમેર હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. વૃદ્ધાને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપી કાપોદ્રા પોલીસ મથક પાસે મૂકીને પાલિકાની ટીમ જતી રહી હતી. 13 જુલાઈના રોજ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બસમાં જગ્યા ન હોવાનું કારણ ધરી વૃદ્ધાને ઘરને બદલે ટીમે કાપોદ્રા રસ્તે અધવચ્ચે મૂકી દીધી હતી. પરિવાર વૃદ્ધાને ઘરે લઈ જતા જ ગણતરીના કલાકમાં જ મહિલાનું મોત નિપજ્યું હતું. મોત બાદ હોબાળો મચાવતા ફરી મનપાની ટીમ દોડતી થઈ હતી. મહિલાનો મૃતદેહ સ્મીમેર પોસ્ટમોટર્મ રૂમ ખાતે મોકલી આપયો હતો.

મૃતક મહિલાના દીકરા શૈલેશ ચોવટિયાએ જણાવ્યું કે, હું ઠાકોરબા સોસાયટીમાં રહું છું. મારા મમ્મીનું નામ હેમીબેન છે. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને 13 જુલાઈના રોજ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેના બાદ 17 જુલાઈએ સાંજે 6 વાગ્યે મને ફોન આવ્યો કે, તમારા મમ્મીને ડિસ્ચાર્જ કરાયા છે. તેથી હું તેમની રાહ જોઈને અમારા ઘર પાસેના રોડ પર ઉભો હતો. પરંતુ 8 વાગ્યે મને ફોન આવ્યો કે, તમારા મમ્મીને બંબાખાના પાસે આવીને લઈ જાઓ. હું મારી ગાડી લઈને ત્યાં પહોંચ્યો હતો. તો પાલિકાના લોકોએ મારી મમ્મીને રોડ બસમાંથી ઉતારી દીધી હતી. મારી મમ્મી ત્યાં સૂતી હતી. બાદમાં હું તેઓને ઘરે લઈ આવ્યો. જેન બાદ તરત સાડા આઠથી 9 વાગ્યાની વચ્ચે મારા મમ્મી મૃત્યુ પામ્યા હતા. બાદમાં મારા ઘરમાં તેમનો મૃતદેહ ખુલ્લો પડી રહ્યો હતો. 104 અને 102 પર ફોન કરીને મેં તાત્કાલિક જાણ કરી હતી. હોસ્પિટલ તરફથી મારા મમ્મીના ડિસ્ચાર્જ અંગે પણ અમને કોઈ કાગળો અપાયા ન હતા.