ગુજરાતની અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ, તપાસમાં કંઈ શંકાસ્પદ ન મળ્યું
અમદાવાદની સાથે સુરત કોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર પણ આવી જ રીતે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ પ્રાપ્ત થયો હતો. મેલ મળતા જ સુરત પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તુરંત સુરક્ષા વધારી દીધી હતી. બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર કોર્ટ પરિસરમાં ખૂણે-ખૂણે તપાસ શરૂ કરવામાં આવી હતી.
અમદાવાદની ઘીકાંટા અને લાલ દરવાજા સેશન્સ કોર્ટ ખાલી કરાવાઈ
અમદાવાદમાં આવેલા ઘીકાંટા મેટ્રોપોલિટન કોર્ટ તેમજ લાલ દરવાજા સ્થિત સેશન્સ કોર્ટને પણ ઈમેલ મારફતે બોમ્બની ધમકી આપવામાં આવી હતી. ધમકીના સંદેશા બાદ સુરક્ષાના ભાગરૂપે પોલીસ, ફાયર વિભાગ અને બૉમ્બ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો. વાતાવરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તકેદારીના પગલારૂપે આખું કોર્ટ પરિસર ખાલી કરાવીને તપાસ હાથ ધરી હતી.
સાયબર સેલ દ્વારા ફેક ઈમેલના સ્ત્રોતની તપાસ
ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે જાણવા માટે પોલીસે ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. પ્રથમ દ્રષ્ટિએ આ કોઈની અફવા કે ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં સાયબર સેલની ટીમ ઈમેલ આઈડી અને તેના આઈપી (IP) એડ્રેસને ટ્રેસ કરીને ધમકી મોકલનાર અજાણ્યા શખ્સને ઝડપી પાડવા માટે તપાસ ચલાવી રહી છે.

