સુરત હીરા બજારમાં 4.80 કરોડની છેતરપિંડી, દુબઈથી નેપાળ થઈ પરત ફરેલા આરોપીની ધરપકડ
સુરત: સુરત શહેર પોલીસના સાયબર ક્રાઇમ અને ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)ને મોટી સફળતા મળી છે. હીરાના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને બેન્ક મેનેજર સાથેની મિલીભગતથી સાયબર ફ્રોડ કરવાના આરોપસર નીતિન ઉર્ફે કાનાની પોલીસે ધરપકડ કરી છે. આરોપી લાંબા સમયથી વિદેશમાં ફરાર હતો અને દુબઈથી નેપાળ થઈને સુરત પહોંચતા જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
હીરાના વેપારીઓ સાથે 4.80 કરોડની છેતરપિંડી
પોલીસ તપાસ મુજબ, આરોપીએ બેન્ક મેનેજર સાથે કથિત સાંઠગાંઠ કરીને 42.28 લાખનું સાયબર ફ્રોડ આચર્યું હતું. આ ઉપરાંત સુરતના હીરા બજારના વેપારીઓ સાથે વિશ્વાસ કેળવીને આશરે 4.80 કરોડની કિંમતના હીરા મેળવી છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.
આ મામલે સુરત પોલીસના ઇકો સેલમાં ફરિયાદ નોંધાયા બાદ આરોપી પોલીસથી બચવા માટે ફરાર થઈ ગયો હતો.
દુબઈથી નેપાળ અને પછી બસ મારફતે સુરત
ગુનો નોંધાયા બાદ આરોપી ભારત છોડીને દુબઈ ભાગી ગયો હતો. પોલીસ તેની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. ધરપકડથી બચવા માટે તેણે દુબઈથી સીધા ભારત આવવાને બદલે ફ્લાઇટ મારફતે નેપાળ પહોંચવાનો રસ્તો પસંદ કર્યો હતો.
ત્યારબાદ નેપાળથી સરહદ પાર કરીને ખાનગી બસ મારફતે છૂપા વેશે સુરત પહોંચ્યો હતો. જોકે, પોલીસને મળેલી બાતમીના આધારે સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી લીધો હતો.
ટેલિગ્રામ મારફતે ચાઇનીઝ સાયબર ગેંગ સાથે સંપર્ક
તપાસ દરમિયાન આરોપીના કથિત ચાઇનીઝ સાયબર ગેંગ સાથેના કનેક્શન અંગે પણ મહત્વની માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ટેલિગ્રામ મારફતે વિદેશમાં બેઠેલા સાયબર ગેંગના સભ્યોના સંપર્કમાં હતો.
આરોપી ભારતીય નાગરિકોના બોગસ બેન્ક એકાઉન્ટ સંબંધિત વિગતો વિદેશી હેકર્સ અને સાયબર ગેંગ સુધી પહોંચાડતો હોવાની આશંકા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગ સાથે સંબંધિત મામલાઓમાં દેશભરમાં 227 જેટલી ફરિયાદો નોંધાઈ હોવાની માહિતી સામે આવી છે.
અન્ય સાગરીતો સુધી પહોંચવા પોલીસની તપાસ
હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન આરોપીના નાણાકીય વ્યવહારો, બેન્ક એકાઉન્ટ્સ, હીરાના વેપારીઓ સાથેની લેવડદેવડ તેમજ વિદેશી સાયબર ગેંગ સાથેના સંપર્ક અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. પોલીસ હવે આ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવી રહી છે.
