શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (16:43 IST)

વડોદરા નવલખી દુષ્કર્મ કેસનો ચુકાદો આવ્યો, સગીરા પર દુષ્કર્મ આચરનાર કિશન માથાસુરીયા અને જશા સોલંકીને કોર્ટે દોષિત ઠેરવ્યા

રાજ્યભરમાં ચકચાર જગાવનારા નવલખી ગેંગરેપ કેસમાં 26 મહિના બાદ વડોદરા કોર્ટે આજે બંને આરોપી કિશન માથાસુરીયા અને જશા સોલંકીને દોષિત જાહેર કર્યાં છે.

પોસ્કોની કલમ 6/1 મુજબ કોર્ટે બંનેને દોષિત ઠેરવ્યા છે અને 6/1 ની કલમમાં ફાંસીની સજાની જોગવાઇ છે. સરકારી વકીલે બંને આરોપીને ફાંસીની સજા આપવા માંગ કરી છે. બે આરોપીની જે-તે સમયે ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર 45 દિવસમાં તપાસ પુરી કરી હતી.

આ કેસમાં સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂંક કરાઈ હતી અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે આજે આ કેસમાં ચૂકાદો આપ્યો છે. તા.28 નવેમ્બર 2019ના રોજ 14 વર્ષ 8 માસની ઉમર દારવતી સગીરા તેના મંગેતર સાથે નવલખી ગ્રાઉન્ડમાં બેઠી હતી. ત્યારે કિશન માથાસુરીયા અને જશા સોલંકી નામના બે શખસે સગીરાના મંગેતરને ડરાવી ધમકાવી માર મારી ભગાડી મૂકી સગીરાને નજીકમાં આવેલી ઝાડીમાં લઇ જઇ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયા બાદ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી હતી.

આ કેસમાં સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે એડવોકેટ પ્રવીણ ઠક્કરની નિમણૂંક કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કેસમાં પોલીસે 45 દિવસમાં તપાસ પુરી કરી હતી અને 1500 પેજનું ચાર્જશીટ રજૂ કરાયું હતું. પોલીસે 40 સાક્ષી તપાસ્યા હતા. ભોગ બનનાર સહિત બેના 164 મુજબનું નિવેદન લેવામાં આવ્યું છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં સાયન્ટિફીક પુરાવાઓમાં મળ્યાં છે અને ડીએનએ મેચ થતાં હોવાના કારણે આરોપીઓ સામે મજબુત પુરાવઓ છે.

સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે, તેમણે આરોપીઓને મૃત્યુ દંડની સજાની માંગણી કરી છે. ઘટનાના 26 માસ બાદ ચુકાદો જાહેર થયો છે.દુષ્કર્મકાંડના કેસમાં આરોપીઓ સામે આઇપીસીની કલમ 376 (2) (એમ) (એન), 376 (3), 376 (ડી) (એ), 377, 363, 394, 323, 506 (2) અને 114 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોક્સોની કલમ 4 (2) , 6(1), 8, 10 અને 17 પણ લગાવવામાં આવી હતી.