શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (08:44 IST)

બંગલામાં રહેવું હોય તો કરિયાવર લાવવું પડે' કહી સાસુ ઢોર માર મારતી, પતિએ પણ છૂટાછેડાનું કહેતા મહિલાનો આપઘાતનો પ્રયાસ

અમદાવાદના પૂર્વ વિસ્તરમાં રહેતી યુવતીને પૈસાદાર પરિવારમાં લગ્ન કરવા ભારે પડ્યા. લગ્ન કરીને સાસરે ગયેલી પરિણીતાને સાસુ કહેતી જો બંગલામાં રહેવું હોય તો એટલું કરિયાવર લાવવું પડે અને તેને માર મારતી હતી. પરિણીતાએ તેના પિતાના ઘરેથી પતિને ફોન કર્યો તો પતિએ કીધું મારે તને છૂટાછેડા આપવા છે. આ વાતથી લાગી આવતા પરિણીતાએ પોતાનું જીવન ટુકવવા પ્રયાસ કર્યો હતો. આ બનાવ બાદ પરિણીતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી નિશા (નામ બદલ્યું છે )ના લગ્ન રાજીવ (નામ બદલ્યું છે) સાથે થયા હતાં. સમાજના રીતરિવાજ પ્રમાણે 2020માં લગ્ન થયા બાદ નિશા તેના સાસરીમાં રહેવા ગઈ હતી. નિશાના માતા પિતાએ વિચાર્યું કે રાજીવનો પરિવાર સુખી-સંપન્ન છે એટલે નિશાને કોઈ તકલીફ નહિ પડે પણ રાજીવનો પરિવાર ખરેખર લાલચુ હતો. તેઓ દહેજ ભૂખ્યા હતાં.નિશાને લગ્નના ચાર મહીના તો રાજીવ અને તેના પરિવારે ખૂબ સારી રીતે રાખી, પણ ત્યાર બાદ નિશાને રોજ મેણા મારવામાં આવતા, 'તને કશું આવડતું નથી' કહીને માર મારવામાં આવતો હતો. નિશાની સાસુએ એક દિવસ તેને ધમકાવતા કહ્યું કે, જો તારે બંગલામાં રહેવું હોય તો, કરિયાવર લાવવું પડે અને પછી બધા નિશા પર તૂટી પડ્યા હતા. અસહ્ય માર ખાધા બાદ નિશાએ આ વાત રાજીવને કરી તો રાજીવ પણ તેને મારવા લાગ્યો અને નિશાને ઢસડીને તેના પિયરમાં મૂકી આવ્યો હતો. આ સમગ્ર બનાવ બાદ નિશા માતા પિતાની સાથે રહેતી હતી.એક દિવસ નિશાએ રાજીવને ફોન કર્યો અને તે કંઈ કહે તે પહેલાં જ રાજીવે નિશાને કહી દીધું કે, મારે તને છૂટાછેડા આપવા છે. પોતાની ઝિંદગી બરબાદ થઈ ગઈ હોવાની વાતે ચકરાવે ચડેલી નિશાએ ઘરમાં રહેલી ફીનાઇલની બોટલ ગટગટાવી અને પોતાનું જીવન ટુકવવા પ્રયાસ કર્યો હતો. નિશાએ ફીનાઇલ પી લેતા તે નીચે પડી હતી. જેથી પરિવારના સભ્યો તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં હાલ નિશા જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે. આ બનાવ બાદ કૃષ્ણ નગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.