ભૂપેન્દ્ર પટેલ સરકારનો ખેડૂતહિતલક્ષી નિર્ણય: મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ
ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યના ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજથી ખેડૂતો માટે ટેકાના ભાવે (MSP) પાકની ખરીદીનું રજિસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે. આ યોજના હેઠળ ખેડૂતો મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા મહત્વના પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે પોતાની નોંધણી કરાવી શકશે. ખેડૂતો આગામી ૯ ઓક્ટોબર સુધી પોતાના પાકનું રજિસ્ટ્રેશન કરાવી શકે તે માટે સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.
ખરીફ સિઝન 2026-27 અને ટેકાના ભાવની ખરીદી
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026-27 ની ખરીફ સિઝન માટે જાહેર કરવામાં આવેલા ટેકાના ભાવ મુજબ આ ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના મગફળી, મગ, અડદ અને સોયાબીન પકવતા તમામ ખેડૂતોને યોજનાનો મહત્તમ લાભ લેવા અને સમયસર પોતાની નોંધણી પૂર્ણ કરાવવા માટે ખાસ અપીલ કરી છે, જેથી પાકના યોગ્ય અને પૂરેપૂરા ભાવ મળી રહે.
નોંધણી માટે ખેડૂતોને ઉપલબ્ધ બે સરળ વિકલ્પો
ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ બે રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે. પ્રથમ વિકલ્પમાં ખેડૂતો પોતાના સ્માર્ટફોન દ્વારા gjfr.agristack.gov.in પોર્ટલ પર જઈને અથવા 'ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત' મોબાઈલ એપ ડાઉનલોડ કરીને જાતે ઘરે બેઠા નોંધણી કરી શકશે. બીજા વિકલ્પમાં ખેડૂત ગામના VCE, VLE ઓપરેટર, CSC સેન્ટર અથવા ગ્રામસેવકનો સંપર્ક કરી શકે છે. ફાર્મર આઈડી ધરાવતા ખેડૂતો ઈ-ગ્રામ કેન્દ્ર પર VCE/VLE મારફતે આધાર ઓથેન્ટિકેશન દ્વારા વિનામૂલ્યે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
આધાર લિંક્ડ બેંક ખાતામાં DBT મારફતે રકમ જમા થશે
ટેકાના ભાવે વેચાયેલા પાકની ચૂકવણી સીધી ખેડૂતોના ખાતામાં થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ રકમ ખેડૂતોના આધાર સીડેડ બેંક ખાતામાં DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) મારફતે સીધી જમા થશે. આથી, પાકની રકમ મળવામાં કોઈ વિલંબ કે અડચણ ન આવે તે માટે તમામ ખેડૂતોને પોતાનું બેંક ખાતું આધાર સાથે સીડ (લિંક) કરાવીને એક્ટિવ રાખવા માટે વિનંતી કરવામાં આવી છે.
