ગુજરાતમાં સિંચાઈના પાણી માટે સરકારનો મોટો નિર્ણય: મહી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને વધુ પાણી અપાશે
Sujalam Sufalam Yojana
રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. આ બેઠકમાં ખરીફ ઋતુ માટે ખેડૂતોને પૂરતું પાણી મળી રહે તે માટે સુજલામ-સુફલામ યોજના અને નર્મદા કેનાલ નેટવર્કના માધ્યમથી ૩ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે અંતર્ગત મહી કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે નર્મદા યોજનામાંથી 20 દિવસ માટે 5000 ક્યુસેક્સ પાણી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને વધુ પાણી મળશે
બીજા નિર્ણય અનુસાર સૌની યોજનાની લિંક-1 મારફતે સૌથી ઓછા વરસાદવાળા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ઉભા પાકને બચાવવા માટે નર્મદાનું પાણી વધુ 10 દિવસ માટે ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત વિસ્તારમાં સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના મારફતે આપવામાં આવતું 2000 ક્યુસેક્સ પાણી વધુ ૧૫ દિવસ માટે લંબાવવાનો સરકારે નિર્ણય કર્યો છે.
પીવાના પાણીને આપવામાં આવશે પ્રાથમિકતા
રાજ્યમાં પ્રવર્તમાન અલ નીનો (El Niño)ની પરિસ્થિતિ અને વરસાદની સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને સિંચાઈ તેમજ પીવાના પાણીની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે જો આગામી સમયમાં પર્યાપ્ત વરસાદ ન થાય અને જળાશયોમાં પાણીની આવક ન વધે, તો પીવાના પાણીની જરૂરિયાતને પહેલી પ્રાથમિકતા આપવામાં આવશે.
પાણી પુરવઠો સુચારુ રાખવા તંત્રને સૂચના
શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં, ખાસ કરીને અછતવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો અવિરત રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવા સુચના અપાઈ છે. સંબંધિત વિભાગો અને જિલ્લા કક્ષાના અધિકારીઓને સ્થિતિ પર સતત નજર રાખવા, ઉપલબ્ધ જળસંસાધનોનો કાર્યક્ષમ અને કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ કરી પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ
રાજ્ય સરકાર જળાશયોમાં પાણીની સપાટી પર સતત નિરીક્ષણ કરી રહી છે અને પરિસ્થિતિ અનુસાર ખેડૂતો તથા જનતાના હિતમાં જરૂરી નિર્ણયો લેવાનું આશ્વાસન આપ્યું છે. સાથે જ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ નાગરિકો અને ખેડૂતોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને જળ સંરક્ષણમાં સહયોગ આપવા અપીલ કરી છે.
