બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2024 (14:58 IST)

જંબુસરમાં માછીમારોની જાળમાં સ્ફટિકનું શિવલિંગ ફસાયું, શંખ-નાની મૂર્તિઓ અને ચાંદીનો શેષનાગ હોવાનો દાવો

shivling bharuch
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોની જાળમાં અઢી ફૂટની ઊંચાઈ અને આશરે 100 કિલોથી વધુ વજન ધરાવતું સ્ફટિકનું બનેલું શિવલિંગ આવતાં આશ્ચર્ય ફેલાયું છે. બુધવારે જંબુસરના કાવી ગામેથી દરિયામાં માછીમારી પકડવા ગયેલા માછીમારોની જાળમાં શિવલિંગ ફસાઈ ગયું હતું, પરંતુ એ ઘણું વજનદાર હોવાથી માછીમારોએ ભારે જહેમતથી શિવલિંગને પોતાની બોટમાં મૂકીને કાવી દરિયાકિનારે લાવ્યા હતા, જેની જાણ ગ્રામજનોને થતાં જ દરિયાકાંઠે શિવલિંગને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારીનો વ્યવસાય કરતા કાળીદાસ વાઘેલા, મંગળ કાળીદાસ ફકીરા સહિત અન્ય 12 જેટલા માછીમારો છગનભાઈ વાઘેલાની બોટ લઈને દરિયામા ધનકા તીર્થ પાસે તેમણે બાંધેલી જાળમાંથી મચ્છી કાઢવા માટે ગયા હતા. ત્યારે આ સમયે તેમની જાળમાં શિવલિંગ આકારનું કંઈક ફસાઈ ગયું હતું.માછીમારોની જાળમાં શિવલિંગ આકારનું કંઇક ફસાઈ જતાં માછીમાર ભાઈઓએ એને ઊંચકવાનો પ્રયત્ન કરતાં એ ઘણું જ વજનદાર હોવાથી તેમનાથી ઊચકાતું નહોતું. જેથી માછીમારોએ અન્ય બોટના માછીમારોની મદદ મેળવી 10થી 12 વ્યક્તિઓએ ભેગા મળી એને ઊંચકી બોટમાં ચઢાવ્યું હતું અને માછીમારો ભારે જહેમત બાદ એને કાવીના દરિયાકિનારે લાવ્યા હતા.દરિયાકિનારે લાવ્યા બાદ માછીમારોએ જાળમાંથી બહાર કાઢી સાફ કરીને જોતાં એ સ્ફટિકનું શિવલિંગ અને એમાં શંખ, નાની મૂર્તિઓ અને ચાંદીનો શેષનાગ હોવાનું જણાઈ આવ્યું હતું. આ અંગેની વાત ગામમાં વાયુવેગે પ્રસરી જતાં ગ્રામજનોનાં ટોળેટોળાં શિવલિંગને જોવા ઊમટી પડ્યાં હતાં. આ અંગે માછીમારોને કાવીના પીએસઆઈ વૈશાલી આહીરને જાણ કરી હતી.