Last Modified: શનિવાર, 28 જાન્યુઆરી 2017 (16:58 IST)
તો દમણની 80 ટકા લિકર શોપ્સ બંધ થઈ જશે
નેક્સ્ટ ટાઈમ તમે દમણ જશો ત્યારે તમને બિયર કે લિકર શોધવામાં મુશ્કેલી પડશે. સુપ્રીમ કોર્ટના ચુકાદાના પગલે દમણના સેન્ટ્રલ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટે બાર અને લિકર શોપના માલિકોને નોટિસ આપી છે. આ નોટિસ મુજબ રાષ્ટ્રીય અને સ્ટેટ હાઈવે પરથી લિકર બ્રાન્ડની જાહેરાતો હટાવી લેવા જણાવ્યું છે. આ ઉપરાંત હાઈવે પરની દારૂની દુકાનો અને બારના લાઈસન્સ પણ 1 એપ્રિલ 2017થી રદ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટના ચુકાદાની અસર દમણની 80 ટકા વાઈન શોપ પર થશે જેમાં લીકર પીરસતી હોટેલ, રેસ્ટોરન્ટ અને બારનો સમાવેશ થાય છે. મોટાભાગની હોટેલો નેશનલ, સ્ટેટ અને કોસ્ટલ હાઈવેથી 500 મીટરના અંતરે આવેલી છે. સેન્ટ્રલ એક્સાઈઝે હાલમાં જ હાઈવે નજીકની લિકર શોપ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. લિકર શોપના માલિકોએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને કારણે દમણની 80 ટકા લિકર શોપ, બાર, રેસ્ટોરન્ટ તથા હોટેલોને અસર થશે. દમણમાં લિકર શોપ ધરાવતા પ્રમોદ ટંડેલ જણાવે છે, "દમણમાં 500થી વધુ લિકર શોપ્સ છે પરંતુ આ ઓર્ડરને કારણે મોટાભાગની શોપ્સને અસર થશે." તેમણે એમ પણ જણાવ્યું કે, "જો આ ચુકાદાનું કડક પાલન થશે તો દમણની મુલાકાત લેનારા ટૂરિસ્ટોને લિકર મેળવવામાં મુશ્કેલી પડશે. દમણનો વિસ્તાર માત્ર 74 સ્ક્વેર કિલોમીટર જ છે અને તે નેશનલ, સ્ટેટ અને કોસ્ટલ હાઈવેથી ઘેરાયેલું છે. અમે આનો ઉકેલ લાવવા માટે અધિકારીઓને મળ્યા છે અને અમે ટૂંક જ સમયમાં સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટીશન ફાઈલ કરવાનું વિચારી રહ્યા છીએ."