સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 ઑક્ટોબર 2018 (12:06 IST)

અમદાવાદનો દર્શક ભટ્ટ અમેરિકાની કોન્ફરન્સમાં પેરિસની ટીમની આગેવાની કરશે

એન્ટિબાયોટિક દવા દ્વારા ઘણા રોગમાં તુરંત રાહત મળી જતી હોય છે. પરંતુ સામે એન્ટિબાયોટિક દવા-ડોઝનો ગેરફાયદો એ છે કે શરીર તેનાથી ટેવાતું જાય છે. એટલે કે શરીરમાં રહેલા બેક્ટેરિયા લાંબે ગાળે એન્ટિબાયોટિકના શક્તિશાળી ડોઝને પણ ગણકારતા નથી. તેનાથી શરીરને બે રીતે નુકસાન થાય છે. એક તો એન્ટિબાયોટિકની અસર થાય અને બીજું બેક્ટિરિયા મૃત્યુ પામતા નથી. એન્ટિબાયોટિકની અસર સામે ટકી રહેતા આ બેક્ટેરિયાનો પ્રશ્ન સંશોધકો માટે માથાના દુઃખાવા સમાન છે. હવે જોકે પેરિસમાં ભણતા ગુજરાતી વિદ્યાર્થી દર્શક ભટ્ટ અને તેની ટીમે તેનો ઉકેલ શોધ્યો છે. અમેરિકાના બોસ્ટન ખાતે યોજાઈ રહેલી 'ઈન્ટરનેશનલ જિનેટિકલી એન્જિનિઅર્ડ મશીન(આઈજેમ)' કોન્ફરન્સમાં આ ઉપાય રજૂ થશે. 

પેરિસની મેરી ક્યુરિ યુનિવર્સિટીની પેરિસ બેટેનકોર્ટ નામની ટીમની આગેવાની દર્શક કાર્તિકેય ભટ્ટ કરશે. બેટેનકોર્ટ ટીમે એવા 'એન્ટિમાઈક્રોબાયલ પેપેટિડીસ (એપીએમ)'ની શોધ કરી છે, જે એન્ટિબાયોટિકનો વિકલ્પ બની શકે એમ છે. જેના કારણે શરીરમાં જ બેક્ટેરિયા સામે લડી શકે એવા કોષ પેદા થઈ જાય અને કદાચ એન્ટિબાયોટિકની જરૃર ન પડે. આ સંશોધન હજુ શરૃઆતી તબક્કામાં છે. વળી જિનેટિકલ એન્જિનિયરિંગ અત્યંત ગૂંચવાડાભર્યો વિષય છે, માટે તેમાં થયેલું સંશોધન લોકભોગ્ય બનતાં વરસો નીકળી જતાં હોય છે. 
પેરિસની ટીમના નેતૃત્વની જવાબદારી જેને સોંપવામાં આવી છે, એ દર્શક અમદાવાદના મણિનગર વિસ્તારનો રહેવાસી છે અને એમ.જી.સાયન્સમાં ગોલ્ડમેડલ સાથે બી.એસસી. પુરું કરી પેરીસ ભણવા ગયો છે. અમેરિકામાં દર વર્ષે જિનેટિક એન્જિનિયરિંગ જેવા અઘરા અને ભવિષ્યમાં ઉપયોગી થવાના છે એવા વિષય પર કોન્ફરન્સ યોજાય છે. મેસેચ્યુશેટ રાજ્યના બોસ્ટન ખાતે ૨૫ ઑક્ટોબરથી આ વખતની 'ઈન્ટરનેશનલ જિનેટિકલી એન્જિનિઅર્ડ મશીન(આઈજેમ)' કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. દુનિયાભરમાંથી તેમાં ભાગ લેવા ટીમો આવી રહી છે.a