શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (11:49 IST)

પાણીપુરીનું પાણી આરોગ્ય માટે હાનિકારક, તપાસ થશે

શહેરમાં રોડ અને ફૂટપાથ પર પાણીપૂરી વેચતાં ફેરીયા પૈકી મોટાભાગનાં જાહેર આરોગ્યને હાનિ થાય તેવી ચીજવસ્તુઓનો ઉપયોગ કરતાં હોવાનું મ્યુનિ. હેલ્થ ખાતાની તપાસમાં પૂરવાર થયુ છે અને તેમાંય એક પાણીપૂરીવાળાનું તીખું તમતમતુ પાણી અનસેફ જાહેર થતાં તેની સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. પાણીપૂરીનો ધંધો હવે ધીકતી કમાણી કરાવતો થઇ ગયો છે. પાણીપૂરીની કિંમતમાં વધારો કરી દેવાયો હોવા છતાં લારીઓ પર મહિલાઓની ભીડ જોવા મળે છે અને તેનો લાભ લઇ વધુ કમાણી કરવા માટે કેટલાક પાણીપૂરીવાળા પાણી-ચટણીમાં કલર તથા એસિડનો વપરાશ કરતાં હોય છે. કેટલાય પાણીપૂરીવાળા સસ્તા અને સડેલાં બટાકા-ચણાનો ઉપયોગ કરતાં હોય છે. પાણીપૂરી બનાવવા જે લોટ વપરાય છે તે અને તળવા માટે જે તેલ વપરાય છે તેની તો તપાસ જ નથી થતી. તેમજ પાણીપૂરીનું ઉત્પાદન થતું હોય તેવી લગભગ તમામ જગ્યાએ સ્વચ્છતાનો અભાવ, આરોગ્ય ખાતાનાં નિયમોનુ પાલન થતુ જણાતુ નથી. બે ચાર કલાકમાં ધંધો કરી લીધા બાદ મોટાભાગનાં પાણીપૂરીવાળા વધેલો એંઠવાડ સહિતનો કચરો આસપાસમાં ગટરનાં મેનહોલ ખોલી બારોબાર તેમાં પધરાવી દેતાં હોવાનું જોવા મળે છે. રોડ-ફૂટપાથ પચાવી પાડીને રોજગારીનાં નામે થઇ રહેલાં ધંધા સામે ભલે વાંધો નથી, પરંતુ જાહેર આરોગ્યનાં ભોગે કમાણી થઇ રહી છે તેવી ફરિયાદોને પગલે મ્યુનિ.હેલ્થ ખાતાએ છેલ્લા કેટલાક સમયથી દરોડા પાડવાનું શરૂ કર્યુ છે. તેનાંથી ત્રાહિમામ પોકારી ઉઠેલાં પાણીપૂરીવાળાઓએ યુનિયન રચી નાખ્યુ છે અને એક બેઠક બોલાવી તેમાં પાણીપૂરીવાળા ભાઇઓને ચોખ્ખાઇ જાળવવા તેમજ સારી ચીજવસ્તુ વાપરવા જણાવ્યું હતું. પરંતુ મોટાભાગનાં પાણીપૂરીવાળા રાબેતા મુજબ જ ધંધો કરી રહ્યા છે. આ બાબતે મ્યુનિ.હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરનાં લગભગ તમામ વિસ્તારોમાં પાણીપૂરીની લારીઓ અને દુકાનોમાં છેલ્લા કેટલાક સમયથી તપાસ કરીને નમૂના લેવાની તથા જેનાં નમૂના ફેલ પૂરવાર થાય તેની સામે કાયદેસર કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવ્યુ છે. અગાઉ પાણીપૂરીનાં જુદાજુદા ખાદ્યપદાર્થનાં નમૂના લેવાયાં હતા તેમાં તીખા પાણીનુ એક સેમ્પલ તો અનસેફ જાહેર થયુ છે. આવા ધંધાર્થી સામે કડક પગલા લેવાશે. તદઉપરાંત બીજા કેટલાય નમૂના સબસ્ટાન્ડર્ડ પૂરવાર થયાં છે. તેમણે કહ્યું કે, હેલ્થ ખાતાની ફ્લાઇંગ સ્ક્વોડે શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં ૧૨૫ લારીઓ, દુકાનો વગેરે જગ્યાઓએ તપાસ કરીને ૩૪ નમૂના લીધા હતા અને બાફેલા બટાકા, ચણા, વટાણા, ચટણી વગેરે બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનો ૪૫૦ કિલો જથ્થાનો નાશ કરાવ્યો હતો..