ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (11:49 IST)

લાલજી પટેલ હવે સરકાર સામે બાંયો ચડાવશે

વિધાનસભા ચુંટણી બાદ સુષુપ્ત અવસ્થામાં રહેલાં સરદાર પટેલ ગૃપને ફરીથી ચેતનવંતુ બનાવવા લાલજી પટેલે રાજ્ય સરકાર સામે વિવિધ આંદોલનો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. એસપીજીનાં અધ્યક્ષ લાલજી પટેલ મહેસાણામાં આજે વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરે તેવી સંભાવના છે. સરદાર પટેલ ગૃપ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં ગઢ રાજકોટમાં ૩૧ ઓક્ટોબરનાં રોજ સરદાર પટેલની જન્મજયંતિ પ્રસંગે કર્મવીર રેલીનું આયોજન કરાયુ છે. કર્મવીર રેલીમાં હજારો પાટીદારોને એકઠાં કરીને રાજ્ય સરકારને પડકાર ફેંકવામાં આવનાર છે. જ્યારે ૧૫ થી ૨૦ નવેમ્બર દરમિયાન સાબરકાંઠામાં ખેડૂત સંમેલનમાં એક લાખ ખેડૂતોને એકઠાં કરવાનું આયોજન કરાયુ છે. આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં સુરત, કલોલ અથવા સૌરાષ્ટ્રનાં શહેરમાં પાંચ લાખ પાટીદારોને એકઠાં કરવાની વિચારણા હાથ ધરાઈ છે. આમ આગામી ત્રણ મહિના દરમિયાન એસપીજી દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરીને મોંઘવારી, ખેડૂતો, પાટીદાર અનામત, અલ્પેશ કથીરીયા જેવા પ્રશ્ને મોટા કાર્યક્રમો કરીને રાજ્ય સરકારને ભીડવવાનો પ્રયાસ કરાનાર હોવાનું લાલજી પટેલે નવગુજરાત સમય સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું. આ તમામ કાર્યક્રમોની આજે મહેસાણામા યોજાનાર પત્રકાર પરિષદમાં જાહેરાત થાય તેવી શક્યતા છે.