બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 7 નવેમ્બર 2020 (16:52 IST)

રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ગુજરાતમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, બહાર પાડ્યું જાહેરનામું

દિવાળીના આડે હવે માંડ ગણીને સાત દિવસ બાકી છે  ત્યારે ગુજરતમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  ગુજરાત રાજ્યમાં હવે નિયત મર્યાદામાં જ ફટાકડા ફોડી શકાશે. દિવાળીના તહેવારને લઈને ગૃહ વિભાગ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. 
 
ગુજરાતમાં ફટાકડા અંગે ગૃહ વિભાગનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ફટાકાડાના ગેરકાયદે વેચાણ સામે પગલાં લેવાશે. ફટાકડાના ગેરકાયદેસર આયાત સંગ્રહ પર પણ પ્રતિબંધ મુકાયો છે. બીજી બાજુ વિદેશી ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. રાજ્યમાં ભારતમાં બનેલા ફટાકડાં જ ફોડી શકાશે. રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહવિભાગે તમામ રેન્જ IG અને કલેક્ટરને આ અંગે સૂચના આપી છે. રાજ્યમાં સુપ્રીમ કોર્ટના આદેશનો કડક રીતે અમલ કરાશે. શેરી મહોલ્લામાં ફટાકડા ફોડવા કે નહીં તે અંગે હજુ અસમંજસ છે. મહત્વનું છે કે, દેશભરમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં ચાલી રહેલા તહેવારોની સીઝન વચ્ચે દિવાળીમાં ફટાકડા ફોડવા પર કેટલાંક રાજ્યોમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે NGTની નોટિસ બાદ ગુજરાતમાં રાજ્ય સરકાર હરકતમાં જોવા મળી છે. 
 
અત્રે નોંધનીય છે કે સૌ પહેલા રાજસ્થાન સરકારે રાજ્યમાં ફટાકડાના વેચાણ અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ પશ્ચિમ બંગાળે પણ કાલીપૂજા અને દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત ગુરુવારે મધ્ય પ્રદેશ, દિલ્હી અને ઓડિશામાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે.