1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 જુલાઈ 2021 (08:47 IST)

રાજ્યમાં BSFના 51 જવાનોમાં તેમજ અમદાવાદ કેન્ટોનમેન્ટમાં કાશ્મીરથી આવેલા બે જવાનમાં ડેલ્ટા વેરિયન્ટ મળ્યો

રાજ્યમાં કુલ 51 બીએસએફ જવાનોમાં ડેલ્ટા વેરિયન્ટના કેસ જોવા મળ્યા છે, જ્યારે અમદાવાદ કેન્ટોનમેન્ટમાં કાશ્મીરથી આવેલા બે જવાનમાં પણ ડેલ્ટા વેરિયન્ટ મળી આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં 50થી વધુ લોકોમાં કપ્પા વેરિયન્ટ મળ્યો છે. થોડાં સમય પહેલાં નાગાલેન્ડથી ગુજરાત આવેલાં બીએસએફના 30 જવાનોના કોરોના સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. આ સેમ્પલના કોરોના વેરિયન્ટના તપાસ અર્થે પરીક્ષણ કરાયું તેમાં તે ડેલ્ટા વેરિયન્ટ હોવાનું જણાયું છે.

આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે આ વાતની પુષ્ટી કરતાં જણાવ્યું છે કે આ જવાનોના સેમ્પલ ડેલ્ટા વેરિઅન્ટ પોઝિટિવ આવ્યાં છે. જો કે સંક્રમિત થયેલાં 30માંથી કેટલાં જવાનોમાં આ વેરિયન્ટ મળી આવ્યો છે તેની સ્પષ્ટતા થઇ નથી. આ દરમિયાન આરોગ્ય સચિવે જણાવ્યું કે ગુજરાતમાં ડેલ્ટા વેરિયન્ટના કેટલાંક કેસ મળી આવ્યાં છે. અગાઉ કોરોના વાઇરસના જે વેરિયન્ટ મળ્યાં હતાં તેમાં ડેલ્ટા વેરિયન્ટ સૌથી વધુ ઝડપથી ફેલાય છે. જો કે કપ્પા વેરિયન્ટ અંગે અગ્રવાલે જણાવ્યું કે આ વેરિયન્ટ એટલો ઘાતક સાબિત થયો નથી. ડેલ્ટા વેરિયન્ટના વાઇરસના સ્પાઇક પ્રોટિનમાં બદલાવ આવતાં તે કપ્પા વેરિયન્ટ બન્યો છે.