શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 ડિસેમ્બર 2021 (14:12 IST)

ગુજરાતમાં ડેન્ગ્યુના ૧૦૨૩૦માંથી ૯૯૯૦ કેસ છેલ્લા પાંચ મહિનામાં જ નોંધાયા,આ વર્ષે ડેન્ગ્યુના ૧૦ હજાર કેસ, ગત વર્ષ કરતાં 6 ગણો વધારો

ગુજરાતમાં આ વર્ષે પણ કોરોનાએ કેર વર્તાવ્યો છે તો ડેન્ગ્યુના કેસમાં પણ ચિંતાજનક વધારો નોંધાયો છે. આ વર્ષે જ રાજ્યમાંથી ૧૦૨૩૦ લોકો ડેન્ગ્યુની ઝપેટમાં આવી ચૂક્યા છે. આમ, રાજ્યમાં હાલ પ્રતિ દિવસે ડેન્ગ્યુના સરેરાશ ૩૦થી વધુ કેસ નોંધાય છે. આ ઉપરાંત ગત વર્ષની સરખામણીએ ડેન્ગ્યુના કેસમાં ૬ ગણોથી વધુનો વધારો નોંધાયો છે. ગત સમગ્ર વર્ષ દરમિયાન ડેન્ગ્યુના કુલ ૧૫૬૪ કેસ નોંધાયા હતા.

સમગ્ર દેશમાં આ વર્ષે પાંચ ડિસેમ્બર સુધી ડેન્ગ્યુના ૧,૭૭,૬૯૫ કેસ નોંધાઇ ચૂક્યા છે. ડેન્ગ્યુના સૌથી વધુ કેસમાં ઉત્તર પ્રદેશ ૨૮૯૪૫ સાથે મોખરે, પંજાબ ૨૩૦૨૪ સાથે બીજા, રાજસ્થાન ૧૯૬૩૩ સાથે ત્રીજા, મધ્ય પ્રદેશ ૧૪૭૫૬ સાથે ચોથા, દિલ્હી ૧૨૧૮૨ સાથે પાંચમાં, મહારાષ્ટ્ર ૧૧૫૩૨ સાથે છઠ્ઠા, હરિયાણા ૧૧૯૪૩ સાથે સાતમાં જ્યારે ગુજરાત આઠમાં સ્થાને છે. ગુજરાતમાં આ વર્ષે જૂન બાદ જ ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક જ વધારો નોંધાયો છે.૩૦ જૂન સુધી રાજ્યમાં ડેન્ગ્યુના કેસની સંખ્યા માત્ર ૨૪૦ હતી. આમ, છેલ્લા પાંચ મહિનામાં જ ૯૯૯૦ લોકો ડેન્ગ્યુની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ સ્થિતિએ રાજ્યમાં ચોમાસા સાથે ડેન્ગ્યુના કેસમાં પણ વધારો થયો છે. રાજ્યમાં ગત વર્ષે કોરોનાએ પગપેસારો કર્યો ત્યારે ડેન્ગ્યુના કેસની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષમાં સૌથી ઓછી હતી. આ અંગે ડોક્ટરોના મતે કોરોનાએ પગપેસારો કર્યા બાદ હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા હતા. મોટાભાગના લોકો હવે સેનિટાઇઝેશન માટે પૂરતી તકેદારી રાખી રહ્યા હતા.

એડેસ એગેપ્ટિ નામની મચ્છરની પ્રજાતિઓ દિવસના સમયે જ ડંખે છે. ૨૦૨૦માં મોટાભાગના સમય દરમિયાન ઓફિસ, વ્યવસાય બંધ હતા એટલે મચ્છરજન્ય રોગના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જ રાજ્યમાંથી ૧.૨૪ લાખ લોકો મલેરિયા, ૪૦ હજાર લોકો ડેન્ગ્યુ જ્યારે ૪૦૫૦૦થી વધુ લોકો ચિકનગુનિયાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મહિને સરેરાશ ૩૬૨૨ લોકો મચ્છજન્ય રોગનો સામનો કરે છે.મચ્છરજન્ય રોગથી રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૬૧ વ્યક્તિના મૃત્યુ થયા છે. ગુજરાતમાં મલેરિયાના ૨૦૧૬માં ૪૪૭૮૬, ૨૦૧૭માં ૩૮૫૮૮, ૨૦૧૮માં ૨૨૧૧૪ અને ૨૦૧૯માં ૧૩૮૮૩ નવા કેસ સામે આવ્યા હતા. આ વર્ષે મલેરિયાના દર્દીઓની સંખ્યા ૧૦ હજારને પાર થઇ ગઇ છે