શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 નવેમ્બર 2021 (13:36 IST)

અમદાવાદના સાસરિયાઓએ પરીણિતાને ધમકી આપી,તારા બાપ પાસેથી 18 લાખ રૂપિયા નહીં લાવે તો ઘરમાંથી કાઢી મુકીશું

પરીણિતા નોકરી કરીને બંને બાળકોનું ભરણ પોષણ  કરતી હતી
પરીણિતાએ પતિ સહિત સાસરીપક્ષના સાત લોકો સામે પોલીસ ફરિયાદ કરી
 
અમદાવાદમાં ઘરકંકાસ અને શારિરીક માનસિક ત્રાસના અનેક બનાવો પ્રકાશમાં આવતા રહે છે. પોલીસ ચોપડે પણ મહિલાઓ દ્વારા થતી ફરિયાદો હવે વધી રહી છે. દહેજની માંગણીનું દૂષણ આજના શિક્ષિત સમાજમાંથી હજુ સુધી દૂર થયું નથી. શહેરની પરીણિતાને તેના સાસરિયાઓએ પિતા પાસેથી 18 લાખ લાવવાની માંગ કરી હતી અને જો નહીં લાવે તો ઘરમાંથી કાઢી મુકવાની ધમકીઓ આપી હતી. તેનો પતિ પર દારૂ પીને મારઝૂડ કરતો હતો. કંટાળેલી પરીણિતાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીપક્ષના સાત લોકો સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. 
 
પરીણિતાના પિતાએ આપેલા પૈસા પતિએ વાપરી નાંખ્યા હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે નયનાબેન (નામ બદલ્યું છે)ના લગ્ન 22 વર્ષ પહેલાં રાજેશભાઈ ( નામ બદલ્યું છે) સાથે સમાજના રીત રિવાજ પ્રમાણે થયાં હતાં. લગ્નના બે મહિના સુધી નયનાબેનને સાસરિયાઓએ સારી રીતે રાખ્યાં હતાં. પરંતુ થોડા જ સમયમાં નયનાબેન પર સાસરિયાઓનો અત્યાચાર વધવા માંડ્યો હતો. નયનાબેનના સસરા વારંવાર તારા બાપના ઘરેથી કશું લાવી નથી એવા શબ્દો બોલીને ગંદી ગાળો બોલતાં હતાં. સસરાનું ઉપરાણું ખેંચીને પતિ રાજેશભાઈ પણ નયનાબેનને માર મારતો હતો. ઘરમાં ઝગડા ઉભા થતાં નયનાબેને પોતાના પિતા પાસેથી પૈસા મંગાવ્યા હતાં. આ પૈસા પતિ રાજેશભાઈએ વાપરી નાંખ્યા હતાં. 
 
બંને બાળકોનું ભરણ પોષણ પરીણિતા નોકરી કરીને કરતી હતી
નયનાબેન પ્રથમવાર ગર્ભવતી બન્યાં ત્યારે ઘરનું તમામ કામ તેમની પાસે કરાવવામાં આવતું હતું. દીકરીનો જન્મ થયા બાદ પતિ અને સાસરિયાઓનો ત્રાસ ખૂબજ વધી ગયો હતો. જેઠ જેઠાણી અને દિયર દેરાણી પણ નયનાબેનને બાપના ઘરેથી દાગીના કે રૂપિયા લાવી નથી આને ઘરમાંથી કાઢી મુકવી જોઈએ એમ કહીને પતિને ચઢામણી કરતાં હતાં. જેથી પતિ તેમની વાતોમાં આવીને નયનાબેનને મારઝૂડ કરતો હતો. નયનાબેનને સમય જતાં દીકરો અવતર્યો હતો. જેથી આ બંને બાળકોની દવાઓ અને ભરણપોષણનો ખર્ચો તેઓ નોકરી કરીને પુરો કરતાં હતાં. તે ઉપરાંત પિતા પાસેથી પણ જરૂર પડ્યે વધુ પૈસા મંગાવતા હતાં. 
 
પિતા પાસેથી 18 લાખ લાવવા પરીણિતા પાસે માંગણી કરાઈ
નયનાબેને પિતાને સાસરિયાઓ તરફથી મળતા ત્રાસની વાત કરી ત્યારે પિતાએ અમદાવાદ આવીને સવા બે લાખ રૂપિયા આપેલા અને ફરીવાર આવું વર્તન નહીં કરવા જણાવ્યું હતું. પરંતુ આ પૈસા નયનાબેનના સસરા અને પતિએ વાપરી નાંખ્યા હતાં. તેમના પિતાએ નયનાબેન હાલ જે ઘરમાં રહે છે તે ઘર પણ લઈ આપ્યું હતું. તેમણે ઘરનું ફર્નિચર પણ કરાવી આપ્યું હતું. આટલેથી નહીં ધરાયેલા સસરા અને પતિએ નયનાબેને કહ્યું હતું કે, કાપડના ધંધામાં રૂપિયાની જરૂર છે તારા બાપ પાસેથી 18 લાખ નહીં લાવે તો તને ઘરમાંથી કાઢી મુકીશું. તેમનો પતિ રોજ દારુ પીને ઘરે આવતો અને નયનાબેનને માર મારતો હતો. આખરે કંટાળેલ પરીણિતાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીપક્ષના સાત લોકો વિરૂદ્ધ દહેજની માંગ અને માનસિક તથા શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.