શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 ઑગસ્ટ 2021 (08:46 IST)

અમદાવાદના 6 વિસ્તાર ડેન્ગ્યુના મચ્છરોના ઉપદ્રવથી ત્રસ્ત; સરખેજ, વેજલપુર, ખાડિયામાં પણ મચ્છરનું પ્રમાણ વધુ

શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવતાં મચ્છરોનો ઉપદ્રવ ‌વધ્યો છે. મ્યુનિ. દ્વારા વિવિધ વિસ્તારમાં કરવામાં આવેલી તપાસમાં પણ 27 વિસ્તારમાં મહત્તમ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવતા એડિસ મચ્છરોનો ઉપદ્રવ હોવાનું જોવા મળ્યું છે. તેની ડેન્સિટી પણ વધારે જોવા મળી છે. જેમાં અમરાઇવાડીમાં ડેન્સિટી 2.25, ખાડીયામાં 2 અને શાહીબાગમાં પણ 2 ડેન્સિટી મળી આવી હતી. મેલેરિયા અને ઝેરી મેલેરિયા ફેલાવતાં મચ્છરોનું પ્રમાણ ચાંદલોડિયા, વટવા, રામોલ, ગોતા, ભાઇપુરા, ખોખરા જેવા વિસ્તારમાં મહત્તમ છે. શહેરમાં આ ઉપરાંત તમામ પ્રકારના મચ્છરોનું પ્રમાણ જોઇએ તો થલતેજ, જોધપુર, નિકોલ, ચાંદલોડિયા, અસારવા અને વેજલપુરમાં 3.25, બાપુનગર, વસ્ત્રાલ, જમાલપુર, શાહીબાગમાં 3.75, ગોતામાં 5.5, રાણીપ, અસારવા અને સાબરમતીમાં 3, રામોલમાં 5.75 અને અમરાઇવાડીમાં 8.25 ડેન્સિટી જોવા મળી હતી. કેટલાક સમયથી મચ્છરોનો ઉપદ્રવ છે, વિવિધ વિસ્તારમાં મચ્છરોની ડેન્સિટી માપવામાં આવી હતી. જેથી કયા વિસ્તારમાં મચ્છરજન્ય કયો રોગ વકર્યો છે તે જાણી શકાય તેમજ તેને નિયંત્રણમાં લેવા માટે યોગ્ય ઉપાય કરી શકાય. શહેરમાં જુલાઇ મહિનાના અંત સુધીમાં જ સાદા મેલેરિયાના કુલ 202, ઝેરી મેલેરિયાના 13, ડેન્ગ્યુના 140 અને ચિકનગુનિયાના 162 કેસ નોંધાયા છે.