શુક્રવાર, 30 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 16 ઑગસ્ટ 2021 (08:41 IST)

અમદાવાદના દાણીલીમડામાં નામ બદલી લિવ રિલેશનશિપમાં રહેતી દીકરીના ઘરે પિતા બે શખસ સાથે ઘૂસ્યાં

crime news in gujarati
અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં ધર્મ મુજબ નામ બદલી લિવ ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીના પિતા અને બે શખસોએ તેની સાથે રહેતા યુવકના ઘરે જઈ બોલચાલી અને મારામારી કરી હતી. યુવતીના પિતાએ તેને જબરદસ્તી તારે રખિયાલ ખાતે ઘરે આવવું જ પડશે કહી અને ઘરમાં ઘૂસી ગયા હતા. યુવતીએ આ મામલે તેના પિતા સહિત બે લોકો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ દાણીલીમડા વિસ્તારમાં રહેતા વિજય સાથે રખિયાલમાં રહેતી શબાના પોતાની મરજીથી મમતા તરીકે નામ બદલી લિવ ઇન રિલેશનશિપમાં તેના પરિવાર સાથે છેલ્લા સાત મહિનાથી રહે છે. શબાના ઉર્ફે મમતાનો પરિવાર રખિયાલ ખાતે રહે છે. બે દિવસ પહેલા રાતે દસ વાગ્યે વિજયના ઘરે મમતા હાજર હતી. નીચે બંને અને ઉપરના માળે વિજયનો પરિવાર હતો ત્યારે શબાના ઉર્ફે મમતાના પિતા અન્ય બે શખસને લઈને આવ્યા હતા. ગેરકાયદેસર રીતે ઘરમાં ઘૂસી અને તેના પિતાએ આજે તારે રખિયાલ ઘરે આવવું પડશે કહ્યું હતું.યુવતીની ના પાડવા છતાં પિતાએ બે શખસ સાથે ગુસ્સામાં બોલાચાલી કરી અને ગડદાપાટુનો માર માર્યો હતો. વિજય વચ્ચે છોડાવવા વચ્ચે પડતા તેને અને તેના પરિવારને પણ માર માર્યો હતો. પોલીસને જાણ કરવામાં આવતા દાણીલીમડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. શબાના ઉર્ફે મમતાએ આ મામલે તેના પિતા સહિત ત્રણ લોકો સામે મારામારીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.