ગાંધીનગરમાં ભાવી શિક્ષકોની અટકાયત, પોલીસે ટિંગાટોળી કરી
ગુજરાત સરકારે સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોના બદલે હાલ જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત શિક્ષકોની ભરતી શરૂ કરી છે. ત્યારે ટેટ પાસ ઉમેદવારો છેલ્લા લાંબા સમયથી કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. આજે ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારો વિરોધ પ્રદર્શિત કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી હતી.પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોની અટકાયત કરી હતી.
ગુજરાત સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં ના આવે ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જેમાં તાસ પ્રમાણે શિક્ષકને મહેનતાણું આપવામાં આવશે. ત્યારે સરકારના નિર્ણય સામે બીએડ્ સાથે ટેટ પાસ ઉમેદવારોમાં રોષ ફાટી નિકળ્યો છે. હાલમાં રાજ્યમાં 32 હજાર જેટલા બીએડ્ પાસ વિદ્યાર્થીઓ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. છતાં સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવતી નથી. સરકારે શિક્ષક બનવા માટે ટેટ પરીક્ષા ફરજિયાત કરી છે અને તે પ્રમાણપત્રની મર્યાદા 5 વર્ષ રાખવામાં આવી છે. પ્રથમ વખત વર્ષ 2011માં પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે બીજી વખત વર્ષ 2014માં પરીક્ષા લેવામાં આવી છે. પ્રથમ વર્ષમાં ટેટ પરીક્ષા પાસ ઉમેદવારોએ ફરીથી પરીક્ષા આપવી પડશે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાસહાયકો કે શિક્ષણ સહાયકોની ભરતી ન કરાતા વર્ષોથી નોકરીની રાહ જોઈ રહેલા ટેટ અને ટાટ પાસ કરેલા હજારો ઉમેદવારોના અરમાનો પર પાણી ફરી વળ્યુ છે. જ્ઞાન સહાયક યોજનાના કારણે ટેટ – ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોનું ભાવિ અંધકારમય બની જવાની દહેશતથી સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે. ત્યારે ગાંધીનગર ખાતે જ્ઞાન સહાયક યોજનાના વિરોધ તેમજ કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ધરણા પ્રદર્શન યોજ્યા હતા. જેનાં પગલે અગાઉથી ગોઠવાયેલી પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને પણ અટકાયત કરી લેવામાં આવી હતી.