બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 એપ્રિલ 2019 (11:56 IST)

પાસના કન્વિનર દિનેશ બાંભણિયાએ રૂ.73.25 કરોડની વેટ ચોરી કરી

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન તથા સમિતિમાં મહત્વની ભૂમિકા ભજવનાર બાંભણિયા હવે વેટના ચક્કરમાં ભરાઈ ગયાં છે. તેમણે છેલ્લા ચાર  વર્ષ દરમિયાન કરેલા વેપારનો ભરવાનો થતો રૂ.73.25 કરોડનો વેટ નહીં ભરતા વેટ અધિકારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે દિનેશની શોધખોળ શરૂ કરી હતી. વેટ વિભાગની કચેરીના અધિકારી એન.સી.ફુલતરિયાએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જસદણના કમળાપુરમાં રહેતા દિનેશ ભગવાનજી બાંભણિયા સામે ફરિયાદ નોંધાવી હતી. વેટ અધિકારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દિનેશ બાંભણિયાએ રાજકોટના ન્યૂ જાગનાથ મેઇન રોડ પર આવેલી ક્રેડિટ કોર્નરમાં શ્રીનાથજી કોટલીક પ્રા.લી. નામની કંપની શરૂ કરી હતી અને રૂની ગાંસડીઓનું ખરીદ વેચાણ કરતા હતા. આરોપી દિનેશ બાંભણિયા ઉપરોક્ત કંપનીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતાં. શ્રીનાથજી કોટલીક કંપનીએ વર્ષ 2010 થી 2014 દરમિયાન કરેલા વેપારના રૂ.73,25,10,310નો વેરો સરકારી તિજોરીમાં જમા કરાવવાનો હતો. વેટ વિભાગ દ્વારા કંપનીના ડિરેક્ટર દિનેશ બાંભણિયાને નોટિસ ફટકારી કંપનીના હિસાબો રજૂ કરવા તાકીદ કરી હતી, પરંતુ દિનેશે એકપણ નોટિસનો જવાબ આપ્યો ન હતો અને હિસાબો સાથે રજૂ પણ થયો નહોતો. ત્રણેક વર્ષથી દિનેશે પોતાની કંપની બંધ કરી દીધી હતી. વેટ વિભાગે બાંભણિયાની અઢી વીઘા જમીન ટાંચમાં લીધી છે.