ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 ફેબ્રુઆરી 2021 (11:12 IST)

ભાજપ અને કૉંગ્રેસના રિસાયેલા કાર્યકરોને મનાવવા ધારાસભ્યો અને નેતાઓની ડેમેજ કંટ્રોલ સાથેની ડિનર ડિપ્લોમસીની કવાયત

રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીઓના પ્રચાર-પ્રસારનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગણતરીના દિવસો જ છે, ત્યારે આગામી સમયમાં રાજકીય પક્ષોના પ્રચાર-પ્રસાર માટે સમર્થકો અને કાર્યકરોને કામે લગાડવા ભાજપ-કોંગ્રેસ દ્વારા જોર લગાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રિસાયેલાને મનાવવા માટે ધારાસભ્યો અને નેતાઓની હાજરીમાં ડિનર ડિપ્લોમસી સાથે ડેમેજ કંટ્રોલની કવાયત ચાલી રહી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ના મળતાં નારાજ થયેલા ભાજપ, કોંગ્રેસના નારાજ કાર્યકરોને મનાવવા માટેનું ડેમેજ કંટ્રોલ ચાલી રહ્યું છે, તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ રિસાયેલા સિનિયર નેતાઓનાં મનામણાં કરીને કાર્યકરોને મનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનાં ચૂંટણી કાર્યાલય ધમધમી રહ્યાં છે, ત્યાં પણ કાર્યકરોને ભીડ એકઠી કરવા તેમજ છેલ્લી ઘડીએ કપાઈ ગયેલા ટિકિટવાંછુઓની હાજરી ચૂંટણી કાર્યાલય પર રહે એ માટે રણનીતિ અપનાવવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોટા ભાગના કિસ્સાઓમાં એવું પણ થયું છે કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે નવા નવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે એમાં કેટલાક ઉમેદવારને રાતોરાત ભાજપે અથવા તો કોંગ્રેસે સીધી જ ટિકિટ આપી છે.ખાસ કરીને રાજકીય પાર્ટીના કાર્યકરો ઉમેદવારને ઓળખાણ નથી, જે કારણે રાજકીય પક્ષો માટે નવી ઉપાધિનું સર્જન થયું છે, ત્યારે હવે નવા ચહેરાઓની ઓળખાણ સાથે નારાજ કાર્યકરો અને અગ્રણી હોદ્દેદારો ઉમેદવારના પ્રચાર-પ્રસારમાં જોડાઈ એવું આયોજન કરવાની જવાબદારી ધારાસભ્ય પર છોડી દેવામાં આવી છે. ખાસ કરીને ડિનર ડિપ્લોમસી અને ખાટલા બેઠકોમાં ઓછી સંખ્યા અને કાર્યકરોની પાંખી ઉપસ્થિતિથી ભાજપ અને કોંગ્રેસમાં રહેલી નારાજગી હજુ દૂર નહિ થઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.