કોરોના લૉકડાઉન : ભાજપ અને કૉંગ્રેસ પ્રવાસી શ્રમિકોની રેલવે ટિકિટ મુદ્દે સામસામે
પ્રવાસી શ્રમિકો પાસેથી રેલવેભાડું વસૂલવા બદલ કૉંગ્રેસના વડાં સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારની ટીકા કરી છે. સોનિયા ગાંધીએ નિવેદન બહાર પાડી કહ્યું હતું કે કૉંગ્રેસની પ્રદેશ કમિટીઓ દ્વારા જરૂરિયાતમંદ પ્રવાસી શ્રમિકની વતનવાપસી માટે નાણાં ચૂકવવામાં આવશે.
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પ્રવાસી શ્રમિકો પાસેથી નાણાં વસૂલવાની બાબતે કેન્દ્ર સકરારની ઉપર નિશાન સાધ્યું હતું. બીજી બાજુ, ભાજપનું કહેવું છે કે શ્રમિક પાસેથી ભાડું લેવામાં નથી આવતું અને મોટાભાગના ખર્ચનું વહન કેન્દ્ર સરકાર કરી રહી છે.
'ગુજરાતમાં રૂ. 100 કરોડ ખર્ચ્યા'
સોનિયા ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર ઉપર પ્રહાર કરતાં કહ્યું :
"શ્રમિકો રાષ્ટ્રનિર્માણના દૂત છે. વિદેશમાં ફસાયેલાં ભારતીયોને નિઃશુલ્ક પરત લાવીને ફરજ બજાવી, ગુજરાતમાં એક કાર્યક્રમની પાછળ સરકારી ખજાનામાંથી રૂ. 100 કરોડનો ખર્ચ થઈ શકે, રેલવે મંત્રાલય કોરોના ફંડમાં રૂ. 151 કરોડ આપી શકે તો શ્રમિકોને નિઃશુલ્ક ઘરે કેમ ન પહોંચાડી શકે?"
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે 'એક તરફ રેલવે ખાતું PM-CARESમાં રૂ.151 કરોડ આપે છે, બીજી તરફ અન્ય રાજ્યમાં ફસાયેલા શ્રમિકો પાસેથી ટિકિટ વસૂલે છે. જરા આ કોયડો ઉકેલશો.'
ગુજરાત કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પાર્ટીનાં અધ્યક્ષાના નિર્દેશ મુજબ તત્કાળ અમલ કરવાની વાત કહી છે.
ગુજરાતની વડગામ બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મજૂરો પાસેથી ભાડાં વસૂલાતને 'પડ્યા પર પાટું' જણાવીને જરૂર પડ્યે પોતાની સંપૂર્ણ ગ્રાન્ટ શ્રમિકોનાં ભાડાં માટે આપી દેવાની તૈયારી દાખવી છે.
ભાજપે જવાબ આપ્યો
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધીના ટ્વીટને રિ-ટ્વીટ કરતાં કેન્દ્રીય ગૃહમંત્રાલયની માર્ગદર્શિકાને રિ-ટ્વીટ કરી હતી.
પાત્રાના કહેવા પ્રમાણે, રેલવે દ્વારા કોઈ ટિકિટનું વેચાણ નથી થઈ રહ્યું. રેલવે દ્વારા 85 ટકા ખર્ચનું વહન કરવામાં આવી રહ્યું છે, જ્યારે બાકીની 15 ટકા રકમ રાજ્ય સરકાર ભોગવી રહી છે.
પાત્રાએ લખ્યું કે મધ્ય પ્રદેશની ભાજપ સરકાર 15 ટકા ખર્ચનું વહન કરી રહી છે. આવી જ રીતે કૉંગ્રેસ દ્વારા શાસિત રાજ્યો પણ મધ્ય પ્રદેશનું અનુસરણ કરી શકે છે.