શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શનિવાર, 2 મે 2020 (10:05 IST)

કોરોના લૉકડાઉન-3 : દેશમાં શું-શું ખુલ્લું રહેશે અને આપ શું-શું કરી શકશો?

કોરોના વાઇરસને પગલે દેશભરમાં લાગુ કરાયેલું લૉકડાઉન બે સપ્તાહ માટે વધારી દેવાયું છે. ગૃહમંત્રાલય દ્વારા પ્રેસ-રિલીઝમાં આ જાણકારી આપવામાં આવી છે. હાલમાં ત્રીજી મે સુધીનું લૉકડાઉન ચાલુ છે. એ બાદ આગામી બે સપ્તાહ માટે દેશમાં લૉકડાઉન ચાલુ રહેશે. ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે અલગઅલગ ઝોનના આધારે કેટલીક જગ્યા પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ સંબંધમાં 16 પૉઇન્ટનું નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે.
 
1. ભારત સરકારે ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ લૉ અંતર્ગત 4 મેથી આગામી બે સપ્તાહ માટે લૉકડાઉનને લંબાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ ગૃહમંત્રાલયે આ સમયમર્યાદા દરમિયાન અલગઅલગ દિશાનિર્દેશો જાહેર કર્યા છે.
 
દેશના અલગઅલગ વિસ્તારોને વાઇરસના પ્રભાવના આધારે રેડ, ઑરૅન્જ અને ગ્રીન ઝોનમાં વહેચવામાં આવ્યા છે. જે વિસ્તારો ઑરેન્જ અને ગ્રીન ઝોનમાં આવે છે, તેમાં લૉકડાઉન દરમિયાન કેટલીક છૂટછાટ આપવાની વાત જણાવાઈ છે.
 
2. આરોગ્ય ને કુટુંબકલ્યાણ વભાગે આ ઝોન અંગે 30 એપ્રિલે વિગતવાર માહિતી આપી હતી. ગ્રીન ઝોન એ વિસ્તાર છે કે જ્યાં કોરોના વાઇરસનો કોઈ કેસ નોંધાયો નથી કે 21 દિવસથી કોઈ નવો કેસ સામે આવ્યો નથી.
 
રેડ ઝોન તૈયાર કરતી વખતે સક્રિય કેસોની સંખ્યા, પુષ્ટિ કરાયેલા કેસો બેવડા થવાની ઝડપ, પરીક્ષણોની સંખ્યા અને જિલ્લામાંથી મળનારી સર્વિલાન્સ સંબંધિત જાણકારી પર ધ્યાન અપાયું છે. જે રેડ કે ગ્રીન ઝોન નથી તેને ઑરેન્જ ઝોન ગણાવાયા છે.
 
3. સરકારને જાણવા મળ્યું છે કે કેટલાય જિલ્લામાં નગરપાલિકાની અંદર કેસોમાં અંતર જોવા મળ્યું છે. એવામાં નવા દિશાનિર્દેશો અનુસાર આ પ્રકારના જિલ્લાને અલગઅલગ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. એક ઝોન એ વિસ્તાર માટે છે કે જે નગરપાલિકા અંતર્ગત આવે છે. બીજો ઝોન એ વિસ્તારો માટે છે કે જે નગરપાલિકામાં આવતા નથી. જો નગરપાલિકાની બહાર આવનારા વિસ્તારોમાં 21 દિવસ સુધી કોઈ મામલો સામે ન આવે તો એ વિસ્તારને સમગ્ર જિલ્લામાં લાગુ કરાયેલા સ્ટેજમાંથી એક સ્ટેજ ઘટાડી દેવાશે.
 
4. જે વિસ્તારો રેડ અને ઑરેન્જ ઝોનમાં છે તેને કન્ટેમિનેટેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે. આ વિસ્તારોની જાહેરાત જિલ્લાતંત્ર કરશે. આ ઉપરાંત સ્થાનિક તંત્ર પણ એ સુનિશ્ચિત કરશે કે કન્ટેન્મૅન્ટ ઝોનમાં તમામ મોબાઇલમાં 100 ટકા આરોગ્ય સેતુ ઍપ ડાઉનલૉડ કરાયેલી છે કે કેમ. આ વિસ્તારોમાં સઘન સર્વિલન્સ કરવામાં આવશે. અહીં ઘરેઘરે જઈને સર્વિલન્સ કરવામાં આવશે. આ વિસ્તારમાં જરૂરી સેવાઓ સિવાય કોઈના પ્રવેશની કે કોઈને બહાર નીકળવાની મંજૂરી નહીં અપાય.
5. નવી ગાઇડલાઇન અંતર્ગત દેશભરમાં કેટલીય વસ્તુઓ તમામ ઝોનમાં પ્રતિબંધિત રહેશે. તેમાં હવાઈ મુસાફરી, રેલ, મેટ્રો, આંતરરાજ્ય માર્ગપરિવહન, શાળા, કૉલેજ અને બીજાં શૈક્ષણિક સંસ્થાનો, હોટેલ રેસ્ટોરાં, સિનેમા હૉલ, મૉલ, જીમ, રમતગમતનાં સંકુલ વગેરે પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, કોઈ પણ પ્રકારના સામાજિક, રાજકીય કે સાંસ્કૃતિક મેળાવડા પર પ્રતિબંધ રહેશે. હવાઈ, માર્ગ કે રેલયાત્રાની મુસાફરીની મંજૂરી માત્ર એ લોકોને જ આપવામાં આવશે, જેમને ગૃહમંત્રાલય પરવાનગી આપશે.
 
6. બિનજરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોના બહાર નીકળવા પર સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે. સ્થાનિક વહીવટીતંત્ર આ મામલે આદેશ જાહેર કરશે.
 
દરેક ઝોનમાં 65 વર્ષ કરતાં વધારે ઉંમરના લોકો, કોઈ પ્રકારની વિકલાંગતા ધરાવતા લોકો, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને ઘરમાં જ રહેવાનું કહેવામાં આવ્યૅં છે. જોકે, જરૂરી સેવાઓ અને સ્વાસ્થ્ય કારણોસર બહાર નીકળી શકાય છે.
 
રેડ, ઑરેન્જ અને ગ્રીન ઝોનમાં હૉસ્પિટલોમાં ઓપીડી અને મેડિકલ ક્લિનિક ખોલવામાં આવશે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સુરક્ષા માટે સાવધાની વર્તવી પડશે.
 
જોકે, આ બધાની પરવાનગી એ વિસ્તારોમાં નથી, જેમને સીલ કરવામાં આવ્યા છે.
 
7. હૉટસ્પૉટ વાળા રેડ ઝોનમાં સાઇકલ રિક્ષા, ઑટોરિક્ષા, ટૅક્સી અને કૅબ સેવા, બસોનું સંચાલન, હજામની દુકાન, સ્પા અને સલૂન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે.
 
8. રેડ ઝોનમાં પ્રતિબંધો સાથે કેટલીક બાબતોમાં રાહત પણ આપવામાં આવી છે. નિર્ધારિત કાર્યો માટે લોકોને બહાર નીકળવા માટે છૂટ આપવામાં આવશે. ફૉર વ્હીલર વાહનમાં બે લોકો અને દ્વી-ચક્રી વાહનને માત્ર એક વ્યક્તિને ચલાવવાની પરવાનગી મળશે.
 
શહેરી વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો જેમ કે સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન અને નિકાસ સાથે જોડાયેલા યુનિટ, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશિપમાં કેટલાક પ્રતિબંધો સાથે છૂટ અપાઈ છે.
 
જરૂરી સામાન બનાવતાં યુનિટ જેમાં દવાઓ, ફાર્માસ્યૂટિકલ્સ, મેડિકલ ઉપકરણો અને તેનો કાચો માલ બનાવવા, પ્રોડક્શન યુનિટ અને તેમની સપ્લાઈ ચેનની સાથે આઈટી હાર્ડવેર બનાવવા, જૂટ ઇન્ડસ્ટ્રી અને પૅકેજિંગ મટીરીયલ બનાવતા યુનિટને પણ ખોલવાની છૂટ રહેશે.
 
શહેરી ક્ષેત્રોમાં એ જગ્યાઓએ નિર્માણની પરવાનગી આપવામાં આવી છે, જ્યાં કામ કરતા લોકો પહેલેથી હાજર છે અને બહારથી કોઈને લાવવાની જરૂર નથી.
 
રિન્યુએબલ ઍનર્જી સાથે જોડાયેલા પ્રોજેક્ટનાં નિર્માણકાર્યોને પણ છૂટ આપવામાં આવી છે.
 
બિનજરૂરી વસ્તુઓ સાથે જોડાયેલી દુકાનો મૉલ, બજાર અને માર્કેટ કૉમ્પ્લેક્સમાં ખોલવાની પરવાનગી નથી.
 
જોકે, એ દુકાનો જે એકદમ અલગ છે, કૉલોનીની અંદરની દુકાનો, રહેણાંક કૉમ્પ્લેક્સમાં પણ દુકાનો ખોલવાની છૂટ હશે. તેમાં જરૂરી અને બિન જરૂરી ચીજ વસ્તુઓ સાથે જોડાયેલી દરેક દુકાન સામેલ છે.
 
રેડ ઝોનમાં માત્ર જરૂરી ચીજવસ્તુઓની ડિલિવરી માટે ઈ-કૉમર્સ સેવાઓને છૂટ આપવામાં આવી છે.
 
પ્રાઇવેટ ઑફિસ 33% સ્ટાફ સાથે ખોલી શકાય છે, બાકી લોકોએ ઘરેથી કામ કરવાનું રહેશે.
 
દરેક સરકારી ઑફિસને ડેપ્યુટી સેક્રેટરી સ્તરના વરિષ્ઠ અધિકારીઓ સાથે ખોલવાની પરવાનગી હશે.
 
આ સિવાય બાકી 33 ટકા સ્ટાફને જરૂરિયાત પ્રમાણે કામ પર બોલાવી શકાય છે.
 
જોકે, રક્ષા અને સુરક્ષા સેવાઓ, સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ, પોલીસ, જેલ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ, નેશનલ ઇન્ફૉર્મેટિક્સ સેન્ટર, કસ્ટમ, ફૂડ કૉર્પોરેશન, એનસીસી, નહેરુ યુવક કેન્દ્ર અને નિગમ સેવાઓ સંપૂર્ણપણે ચાલુ રહેશે.
 
9. રેડ ઝોનમાં ઘણા પ્રકારની ગતિવિધિઓને લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમ કે ગ્રામીણ વિસ્તારોમાં દરેક પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ અને નિર્માણકાર્ય જેમાં મનરેગા સામેલ છે, તેમને ચાલુ કરવા નિર્ણય લેવાયો છે. 
 
આ સાથે જ ખાદ્ય પ્રસંસ્કરણ યુનિટ અને ઈંટની ભઠ્ઠીઓને ચાલુ કરવા આદેશ મળ્યા છે.
 
આ સિવાય ગ્રામીણ વિસ્તારોમાં શૉપિંગ મૉલ સિવાય બાકી બધી દુકાનો ખુલી શકે છે.
 
કૃષિ સાથે જોડાયેલી દરેક ગતિવિધિ ચાલુ કરી શકાય છે.
 
પશુપાલન અને મત્સ્યઉદ્યોગને પણ શરૂ કરી શકાય છે. વૃક્ષારોપણ અંતર્ગત આવતા તમામ કામ પણ શરૂ થઈ શકે છે.
 
એ દરેક સ્વાસ્થ્ય સેવાઓ, જેમાં આયુષ વિભાગ પણ સામેલ છે, તેમણે પોતાનું કામ કરતા રહેવાનું રહેશે.
 
આ સિવાય નાણાકીય વિભાગ સાથે જોડાયેલા સેક્ટર પણ ખુલ્લા રહેશે.
 
તેમાં બૅન્ક, નોન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ, વીમા અને કૅપિટલ માર્કેટ ગતિવિધિઓ, ક્રેડિટ કૉ-ઑપરેટીવ સોસાયટીઓ સામેલ છે. 
 
જનસુવિધા સાથે જોડાયેલી સેવાઓ જેમ કે વિજળી, પાણી, સફાઈ, ફોન અને ઇન્ટરનેટ પણ ચાલુ રહેશે. આ સિવાય કૂરિયર અને પોસ્ટલ સેવાઓ પણ ચાલુ રહેશે.
 
10. રેડ ઝોનમાં વેપારી અને ખાનગી પ્રતિષ્ઠાનોને કામ કરવાની મંજૂરી અપાઈ છે.
 
તેમાં પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયા, આઈટી અને તેની સાથે જોડાયેલી સેવાઓ, ડેટા અને કૉલ સેન્ટર, કોલ્ડ સ્ટોરેજ અને ગોદામ, પ્રાઇવેટ સિક્યૉરિટી સેવાઓ, હજામની દુકાનેને છોડીને દરેક દુકાન ખોલવાની પરવાનગી હશે.
 
11. ઑરેન્જ ઝોનમાં જેટલી હિલચાલ રેડ ઝોનમાં છે, તેના સિવાય કૅબ અને ટેક્સીમાં એક ડ્રાઇવર અને એક પેસેન્જર સાથે પરવાનગી હશે. માત્ર અનુમતિવાળી ગતિવિધિઓ માટે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે. ફૉર-વ્હીલરમાં વધારેમાં વધારે બે લોકો અને એક ડ્રાઇવરને પરવાનગી હશે, જ્યારે ટૂ-વ્હીલરમાં 2 લોકોને જ સવાર થવાની પરવાનગી છે.
 
12. ગ્રીન ઝોનમાં દરેક પ્રકારની ગતિવિધિઓને મંજૂરી મળશે, માત્ર એ ગતિવિધિઓને છોડીને જેના પર સમગ્ર દેશમાં રોક લાગેલી છે. આ વિસ્તારોમાં બસ ચાલી શકે છે, પરંતુ તેમાં 50% લોકો જ સવાર થઈ શકે છે.
 
13. માલવાહક ગાડીઓને આવવા-જવાની પરવાનગી છે. કોઈ પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ તેમને રોકી શકતા નથી અને આ ગાડીઓને કોઈ ખાસ પાસની પણ જરૂર નથી.
 
14. જે ગતિવિધિઓ પર રોક લગાવાઈ છે તેમને છોડીને બાકી તમામ ગતિવિધિઓ ચાલુ થઈ શકે છે. જોકે, રાજ્ય સરકાર પોતાના મૂલ્યાંકન પ્રમાણે જરૂર પડવા પર આ ગતિવિધિઓને રોકી પણ શકે છે.
 
15. 3 મે સુધી લાગુ થયેલા લૉકડાઉનના દિશા-નિર્દેશોમાં જે ગતિવિધિઓને છૂટ મળી હતી, તેમને હવે કોઈ અલગ પરવાનગીની જરૂર નથી. ગૃહમંત્રાલય તરફથી જાહેર સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોટોકોલ હજુ પણ ચાલુ રહેશે.  જેમ કે ભારતમાં હાજર વિદેશી નાગરિકોને તેમના દેશ મોકલવાની વ્યવસ્થા, ક્વોરૅન્ટીન થયેલી વ્યક્તિને ઘરે મોકલવી, અલગ-અલગ રાજ્યોમાં ફસાયેલા મજૂર, વિદ્યાર્થીઓ, પર્યટકો અને શ્રદ્ધાળુઓને તેમના રાજ્યોમાં રોડ કે રેલના માધ્યમથી લઈ જવા.
 
16. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોએ કડકાઈથી આ નિર્દેશોનું અમલ કરાવવાનું રહેશે.