વરસાદ બાદ અમદાવાદ બન્યું 'ખાડાબાદ', તંત્ર નિદ્રા ઉડી, ખાડા પુરવાનું શરૂ
અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલના લીધે સ્માર્ટસિટી ખાડાનગરી બની ગઇ છે. જ્યાં જુઓ ત્યાં ખાડા નજરે પડે છે. વરસાદના કારણે રસ્તા તૂટી જતાં તંત્ર પોલ ઉઘાડી પડી ગઇ છે. ત્યારે તંત્ર શહેરના અનેક વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા રિસરફેસિંગ નામે થીંગડા મારવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. એએમસી દ્વારા દર વર્ષે પ્રિમોનસૂનને લઇને પ્લાનિંગ કરે છે. પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ જતાં જોવા મળી રહ્યા છે. આ વર્ષે પણ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના આ વિસ્તારોની હાલત ખરાબ થઇ ગઇ છે. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર કોર્પોરેશનમાં ફરિયાદો કરવામાં આવી રહી છે, ત્યારે એએમસી દ્વારા થીંગડા મારી સંતોષ અનુભવાઇ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર એક દિવસમાં 700થી વધુ ખાડા પુરવામાં આવ્યા છે અને આગામી થોડા દિવસોમાં 2000થી વધુ ખાડા પુરવામાં આવશે. પરંતુ કોર્પોરેશનની કામગીરીથી સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે રીતે રોડ મરામત થઇ રહયા છે તે સાધારણ વરસાદમાં ફરી તુટી જશે અને મરામતના પૈસા પાણીમાં જશે. વરસાદી સીઝન પુર્ણ થયા બાદ રોડ સરફેશ કરવામા આવશે. ત્યારે કોર્પોરેશનની આ પ્રકારની કામગીરીથી લોકોમા રોષ જોવા મળી રહ્યો છે.
ગત વર્ષે આ બિસ્માર રસ્તાને લઈને ભાજપ નેતા આઈ.કે. જાડેજાએ ટ્વીટ કર્યુ હતુ. ત્યારબાદ નવો રસ્તો બન્યો હતો. જો કે, આ રસ્તાનું એક જ વર્ષમાં રસ્તાનુ ધોવાણ થઇ ગયું છે. આમ, ભાજપના નેતાના ટ્વીટ બાદ રાતોરાત બનેલો રસ્તો એક વર્ષમાં ધોવાઇ ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસું શરૂ થતાં જ અમદાવાદી માટે ધોવાયેલા રસ્તા પર પડી ગયેલા ખાડા મોટી સમસ્યા બની છે, ભ્રષ્ટ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા રસ્તાઓ થોડા વરસાદમાં જ ધોવાઈ જાય છે. રોડને લઈ શહેરીજનો દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી છે. મુખ્યમંત્રી-ગૃહમંત્રીએ આ અંગે નોધ લીધી છે. ત્યારે એકાએક નિંદ્રામાંથી જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રોડ સરફેશિંગની કામગીરી મોટા પાયે શરૂ કરી છે.