મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 31 મે 2022 (16:04 IST)

ડીસા ઓવરબ્રિજ ટ્રક અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થતાં ડ્રાઈવર-ક્લીનરનાં મોત

accident banaskantha
બનાસકાંઠામાં આજે ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ એવા ડીસા ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઇડમાં આવી રહેલી ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતાં બે લોકોનાં ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યાં હતાં. અકસ્માતગ્રસ્ત ટ્રેલરમાંથી ડીસા પોલીસે પાંચ કલાક સુધી ક્રેઇનની મદદથી રાહત કામગીરી કરી ફસાયેલી લાશને બહાર કાઢી હતી.

ડીસામાં એલિવેટેડ બ્રિજ પર આજે મંગળવારે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પાલનપુર તરફથી આવી રહેલું પથ્થર ભરેલું ટ્રેલર ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે ધાનેરા તરફથી આવી રહેલી જીરૂ અને ઇસબગુલ ભરેલી ટ્રક સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને ગાડીના કેબીનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટ્રેલરમાં પથ્થર અને કેબીન વચ્ચે ફસાઇ જતાં ચાલક અને ક્લીનરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રકમાં બેઠેલા બે લોકોને નાની મોટી ઇજા થતાં તેમનો આબાદ બચાવ થયો હતો.બનાવને પગલે ડીસા દક્ષિણ પોલીસ અને હાઇવે ટ્રાફિક પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ સતત પાંચ કલાક સુધી ક્રેઇનની મદદથી રાહત કામગીરી કરી ટ્રેલરના કેબીનમાં ફસાયેલી લાશને બહાર કાઢી પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.