નીતિન પટેલની નારાજગી સામે આવીઃ તેમણે કહ્યું કે અમદાવાદમાં પેઈડ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની મને ખબર નથી, મુખ્યમંત્રીને ખબર હશે
અમદાવાદમાં આજથી એપોલો હોસ્પિટલ દ્વારા AMC સાથે મળીને PPP ધોરણે GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની કામગીરી શરુ કરવામાં આવી છે. જેમાં 18થી વધુ વયના લોકોને સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરીને વેક્સિન આપવામાં આવી રહી. રસી લેનાર દરેક વ્યક્તિ એક હજાર રૂપિયાનો ચાર્જ ચૂકવવી રહ્યા છે. હાલમાં વેક્સિન માટે લોકોને હાલાંકી ભોગવવી પડે છે. સરકાર ફ્રીમાં વેક્સિન આપી શકતી નથી અને હવે પ્રાઈવેટ પાર્ટનરશીપમાં એક હજાર રૂપિયામાં વેક્સિન વેચી રહી છે. દરરોજ 1000 ડોઝ આપવામાં આવશે, જે હિસાબે રૂ.10 લાખની આવક થશે. ત્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે કોઈ ખટરાગ કે વિવાદ હોવાનું વારંવાર ભાજપના સિનિયર નેતાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે, તેવી જ રીતે ફરી એકવાર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એક નહીં પણ આમને સામને હોવાનું બહાર આવ્યું છે.
આરોગ્ય મંત્રી તરીકે હાલ કોરોનાની જવાબદારી જેમના શિરે છે એવા ખુદ નીતિન પટેલે અમદાવાદમાં રૂ.1000માં વેક્સિન આપવામાં આવતી હોવાની વાતથી અજાણ હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે તૈયાર થઈ રહેલા બ્રિજની મુલાકાતે આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલને પત્રકારોએ અમદાવાદમાં 1000 રૂપિયામાં વેક્સિનનું વેચાણ શરૂ થયું હોવાનો પ્રશ્ન પૂછતાં થોડા અકળાઈ ગયેલા ચેહેર જવાબ આપ્યો હતો કે,મ્યુનિસિપલ કોર્પોરેશન એ નિર્ણય કર્યો છે, રાજ્ય સરકાર કે મુખ્યમંત્રીની મંજૂરી લેવામાં આવી છે કે કેમ એ માહિતી મારી પાસે નથી. આવો ઉત્તર આપીને નીતિન પટેલ રવાના થઈ ગયા હતા.
આમ, ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી અને સરકારમાં નંબર ટુનો નાયબ મુખ્યમંત્રી તરીકેનો હોદ્દો સંભાળી રહેલા નીતિન પટેલનો આવો જવાબ ચર્ચાનો વિષય બન્યો છે.નીતિન પટેલના આ જવાબથી ચર્ચા ચાલી છે કે, નીતિનભાઈ પટેલને ખબર નથી કે અમદાવાદમાં કેવી રીતે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન શરૂ થયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અરોગ્યમંત્રીની પરવા કર્યા વિના સીધા જ મુખ્યમંત્રી સાથે બેસીને નિર્ણય કરતા હોવાની સાથે મુખ્યમંત્રી કે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પણ આરોગ્ય મંત્રીને વિશ્વાસમાં લેવાનું તો ઠીક જાણ કરવાનું પણ મુનાસીબ ના સમજ્યું હોવાની ચર્ચા જોર પકડવા લાગી છે.