સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 નવેમ્બર 2019 (12:08 IST)

ગુજરાત સરકાર રૂા. 290 કરોડના ખર્ચે 2364 ઇ-બસો ખરીદશે

ગુજરાતમાં હવાનું પ્રદુષણ ઓછુ થાય,પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોને પગલે રાજ્ય સરકારે હવે ઇ-વાહનો પર ભાર મૂક્યો છે. રાજ્ય સરકારે આ દિશામાં અલાયદી પોલીસી ઘડવા પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે મુખ્યમંત્રી શહેરી બસ સેવા પણ પીપીપી ધોરણે કાર્યરત કરવા તૈયારી શરૂ કરવામાં આવી છે. સરકારે રૂા.૨૯૦ કરોડના ખર્ચે ૨૩૬૪ ઇ-બસો ખરીદવા નિર્ણય કર્યો છે. 

રાજ્યમાં હવામાં પ્રદુષણની માત્રા વધી રહી છે.આ ઉપરાંત પેટ્રોલ-ડિઝલના ભાવો વધતાં રાજ્ય પરિવહન સેવા માટે સરકારને પોષાય તેમ નથી. આ બધાય પાસાને જોતાં રાજ્ય સરકારે ઇ-વાહનોનુ ચલણ વધે તે દિશામાં પ્રયાસો શરૂ કર્યાં છે. સરકારે મનપા અને નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી બસ સેવા અમલ મૂકી છે. શહેરી બસ સેવામાં હવે ઇ-બસોનો વધુ ઉપયોગ કરવા સરકારે મન બનાવ્યુ છે.

શહેરી વિસ્તારમાં પ્રદુષણને અટકાવવાના ભાગરૂપે પેટ્રોલ-ડિઝલથી ચાલતી બસોને બદલે હવે  ઇ-બસો શરૂ કરવા નક્કી કરાયુ છે. રાજ્ય સરકારે મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના અંતર્ગત રૂા.૨૯૦ કરોડના ખર્ચે ૨૩૬૪ ઇ-બસો ખરીદવા આયોજન કર્યુ છે.અમદાવાદ શહેર માટે ૧૫૦ બસો અને સુરત શહેર માટે ૨૦૦ ઇ-બસો ખરીદાશે. આ ઉપરાંત રાજકોટ,વડોદરા માટે ઇ-બસોની ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

સરકારે હવે શહેરી બસ સેવા પણ પીપીપી ધોરણે ચલાવવા નિર્ણય કર્યો છે. ૨૨ નગરપાલિકા વિસ્તારમાં ય હવે ઇ-બસો દોડતી નજરે પડશે. ખાનગી કોન્ટ્રાકટરો બસ સેવાનુ સંચાલન કરશે. રાજ્ય પરિવહન વિભાગ દ્વારા નક્કી કરેલુ ભાડુ લેવામાં આવશે.ઇ-બસ વધુમાં વધુ પ્રતિ કીમી રૂા.૨૫ અને સીએનજીમાં રૂા.૧૨.૫૦ રાજ્ય સરકાર ભોગવશે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૨ સુધીમાં એક લાખ વાહનો રાજ્યના માર્ગો પર દોડતા કરવા લક્ષ્યાંક નક્કી કર્યો છે. આમ,શહેરી બસ સેવા પીપીપી ધોરણે કાર્યરત કરવા સરકારે તૈયારી કરી લીધી છે.