પહેલાં દરિયાઈ માર્ગેથી ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડાતું હતું હવે ઉત્પાદન માટેના હબ બનવાની તૈયારી
વિશ્વ સ્તરે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો સિલ્કરૂટ બની ગયો હતો. એક વર્ષ પહેલા મુંદ્રા બંદરેથી 21 હજાર કરોડનું 30 હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. તેમજ એક જ વર્ષમાં 25000 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. 16 ઓગસ્ટના રોજ વડોદરાના સાવલીના મોકસી ગામની નેક્ટર કેમ કંપનીમાં રેડ કરીને 200 કિલો જેટલું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ પહેલા પણ રાજ્યમાં અનેકવાર ડ્રગ્સની ફેક્ટરીઓ ઝડપાઈ ગઈ છે. જો કે ગુજરાત હવે ડ્રગ્સનો દરિયાઈ માર્ગ જ નહીં, પણ ઉત્પાદન માટેનું હબ બનાવની નજીકમાં પહોંચી ગયું છે. ત્યારે સવાલ એ થાય છે કે આખરે કેમ ગુજરાતમાંથી સૌથી વધુ ડ્રગ્સ પકડાય છે.
રાજ્યમાં ત્રણ દિવસમાં જ 803 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેમાંથી અડધો ટન ડ્રગ્સ તો મુંબઈની એન્ટી નાર્કોટિક્સ સેલ પકડી ગઈ છે. અન્ય રાજ્યોની એજન્સીઓ આવીને ડ્રગ્સ પકડી જાય છે, પણ આપણી ઉંઘતી પોલીસને ડ્રગ્સની ધમધમતી ફેક્ટરીઓ દેખાતી નથી. આમ ગુજરાત પોલીસના નાક નીચે જ ગુજરાતમાં ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં પણ ડ્રગ્સનો મુદ્દો ચગ્યો હતો. વિપક્ષ પણ ડ્રગ્સને લઈને આક્રમક અંદાજમાં છે. ડ્રગ્સના તસ્કરો માટે ગુજરાતનો દરિયા કિનારો ગેટ ઓફ ગુજરાત બની ગયો છે. જ્યારે પણ દેશમાં આંતકવાદી હુમલાઓ તથા ચરસ ગાંજાની તસ્કરીની વાત કરવામાં આવે ત્યારે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો તેમાં મહત્વનો ભાગ ભજવે છે.
ભારતમાં અને ગુજરાતમાં વેપન અને ડ્રગ્સને પ્રવેશ કરાવવા માટે તસ્કરો માટે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ગેટ ઓફ ગુજરાતના નામે જાણીતો છે. ઈરાનના છબ્બર બંદરથી રૂ. 4200 કરોડનું 1500 કિલો હેરોઈન અને ચિતા ડ્રગ્સ ગુજરાતના દરિયા માર્ગે ભારતમાં ઘૂસાડવાનું રેકેટ ગુજરાત કોસ્ટગાર્ડે 29મી જુલાઈ 2017એ સફળતા પૂર્વક પાર પાડ્યું હતું. તાજેતરમાં જ ગુજરાતના મુંદ્રાથી પકડાયેલું ડ્રગ્સ હોય કે પોરબંદરમાંથી પકડી પડાયેલો ડ્રગ્સનો જથ્થો હોય, આ તમામ જથ્થો ગુજરાતમાં આવ્યો પણ ખપત થવાની નહોતી. અધિકારી સૂત્રો કહે છે કે, ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા ગુજરાતનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે કરી રહ્યાં છે. ખાસ કરીને ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠા ઉપર આવેલા 42 બંદરોમાંથી 17 નોન-મેજર પોર્ટ છે કે જે કાર્ગો હેન્ડલ કરે છે. આવા બંદરો ઉપર અરેબિયન કન્ટ્રીમાંથી બીજા કોઈ સામાન સાથે હેરોઈન કે અન્ય ડ્રગ્સ ગુજરાતના બંદર ઉપર કન્ટેનરમાં ઉતારાય છે.ગુજરાતથી ટ્રાન્સપોર્ટમાં આ કન્ટેનર દેશના દક્ષિણ કે પૂર્વના બંદર વિસ્તારની કોઈ પેઢીમાં જાય છે. આ કન્ટેનર દક્ષિણ કે પૂર્વ વિસ્તારમાંથી એક્સપોર્ટ થાય છે. ભારતથી સામાન એક્પોર્ટ કરવામાં આવ્યો હોય તેમ કન્ટેનર રવાના કરવામાં આવે અને એ રીતે ડ્રગ્સનો જથ્થો જે - તે દેશમાં પહોંચતો કરી દેવામાં આવે છે.
ગુજરાતના બંદરો ઉપર એકસ્પોર્ટ અને ઈમ્પોર્ટ થકી વેપાર સતત વધી રહ્યો છે અને તમામ કન્ટેનરનું ઊંડામાં ઊંડું ચેકીંગ કરવું શક્ય નથી. આ બાબતનો ગેરલાભ લઈને ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે કરવામાં આવે છે.છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ડ્રગ્સની હેરાફેરી મામલે ગુજરાત એટીએસ સતર્ક બની છે. આ પછી એટીએસ સાથે કોસ્ટ ગાર્ડ, નેવી સહિતની એજન્સીઓ સંકલિત કામગીરી કરવા લાગી છે. હવે, ડીઆરઆઈ અને કસ્ટમ્સ જેવી એજન્સીઓ પણ સક્રિય બની છે. ભારત 7500 કિલોમીટરની કોસ્ટલાઈન ધરાવે છે અને 200 મેજર- નોનમેજર પોર્ટ છે. આ પૈકીના 12 મેજર પોર્ટ ઉપર જ 60 ટકાથી વધુ ટ્રાફિક છે.