મંગળવાર, 8 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 જૂન 2022 (10:18 IST)

આજથી રાજયની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું, કોરોનાના કેસોમાં વધારો થવાથી વાલીઓમાં ચિંતા, વિદ્યાર્થીઓને તિલક કરીને સ્કૂલમાં પ્રવેશ અપાયો

ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ આજથી ગુજરાત શિક્ષણ બોર્ડનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. આજથી વર્ષ 2022-23 ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. તમામ સ્કૂલો નાના ભુલકાઓ અને વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકારવા સ્કૂલોમાં વિશેષ તૈયારી કરાઈ છે. વિદ્યાર્થીઓને કંકુ ચોખાનો તિલક કરીને સ્કૂલમાં તેમનું સ્વાગત કરાયું છે.કોરોનાને કારણે ઓનલાઇન શિક્ષણ લેવા વિદ્યાર્થીઓ સતત મજબૂર બન્યા હતા, ત્યારે આ વર્ષની શરૂઆત ઓફલાઈન એજ્યુકેશન સાથે થતા વાલીઓ માટે પણ રાહતના સમાચાર છે. બીજી તરફ કોરોનાના કેસોમાં વધારો થવાથી વાલીઓમાં પણ સંક્રમણને લઈને ચિંતાઓ છે. અમદાવાદમાં એક સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે કોરોનાના 2 વર્ષ દરમિયાન શિક્ષકોએ ઓનલાઇન ભણાવ્યું છે પરંતુ તેના કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે બોન્ડિંગ તૂટી ગયું હતું જે આજે સ્કૂલ શરૂ થતાં બંને વચ્ચે ફરીથી જોડાશે. વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે ઓનલાઇન અભ્યાસના કારણે નેટવર્ક ઇસ્યુ થતો હતો અને ફ્રેન્ડ મળતા નહોતા.હવે ઓફલાઇન સ્કૂલ શરૂ થઈ છે તો ટીચર મળ્યા છે સ્કૂલમાં ફ્રેન્ડ મળ્યા છે હવે સારું ભણીને સારો સ્કોર કરવાનો અમને મોકો મળશે.
 
વડોદરામાં પણ કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે શરૂ થયેલી સ્કૂલો વાલીઓને મૂંઝવણમાં મૂકી રહી છે. જોકે કેટલીક સ્કૂલો દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં વિદ્યાર્થીઓએ માસ્ક ફરજિયાત પહેરીને આવવા માટે જણાવાયું છે. સુરતમાં પણ આજથી શરૂ થયેલી સ્કૂલોમાં વાલીઓમાં શિક્ષકોમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ દેખાયો છે. સુરતમાં પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓની 90 ટકા જેટલી હાજરી જોવા મળી છે.આજે ભૂલકાઓ વહેલી સવારે શાળામાં પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે શાળા સંચાલકો અને શિક્ષકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો તમામ બાળકોને હર્ષોલ્લાસ સાથે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. બાળકોના ચહેરા ઉપર પણ સ્મિત સ્પષ્ટ દેખાતું હતું ઘણા સમયથી ઘરે રહ્યા બાદ આજે ઉનાળુ સત્ર પૂર્ણ થતાની સાથે જ બાળકો પોતાના પુસ્તકો સાથે શાળાએ પહોંચી ગયા હતા.