બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 એપ્રિલ 2023 (13:15 IST)

કર્ણાટકમાં ગુજરાત ભાજપના નેતાઓની ફોજ ઉતરશે, 125 કાર્યકર્તાઓ,સરકાર અને સંગઠનના 6 નેતાઓ પ્રચાર કરશે

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને કર્ણાટકના ચૂંટણી પ્રચાર માટે જવાબદારી સોંપવામાં આવી છે
ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત અન્ય રાજ્યમાં પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરવા જશે
 
અમદાવાદઃ આગામી મે મહિનામાં કર્ણાટક  વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ ચૂંટણીમાં ગુજરાતના નેતાઓને પણ પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ કર્ણાટકમાં ગુજરાતી સમાજ સાથે બેઠક કરી હતી. હવે ભાજપે પ્રચાર માટે ગુજરાતના સવા સો કાર્યકર્તાઓની ફોજ કર્ણાટક મોકલવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત સરકાર અને સંગઠનના 6 નેતાઓ સતત કર્ણાટકના પ્રવાસે હશે. તે ઉપરાંત 15 એપ્રિલ બાદ ભાજપના પ્રદેશ નેતાઓ પણ કર્ણાટકના પ્રવાસે જશે. આ તમામ જવાબદારી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના શીરે રાખવામાં આવી છે. 
 
125 કાર્યકરો કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરશે
સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી 15 એપ્રિલથી ગુજરાત ભાજપના નેતાઓ કર્ણાટકમાં ધામા નાંખશે. આ માટે પ્રદિપસિંહ વાઘેલા, ગણપત વસાવા, પ્રવિણ માળી, જીતપ વાઘાણી, પૂર્ણેશ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત અન્ય રાજ્યમાં પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરવા જશે. તેમણે તાજેતરમાં જ કર્ણાટકમાં ગુજરાતી સમાજ સાથે બેઠકો કરી હતી.કર્ણાટકમાં ઝંઝાવાતી પ્રચાર માટે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને પ્રચાર કરવાની જવાબદારી સોંપાઈ છે. ગુજરાતના 6 મોટા નેતાઓ અને 125 કાર્યકરો કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરશે.
 
કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાશે
 જુલાઈ 2019માં કર્ણાટકમાં ભાજપની સરકાર બની હતી, ભાજપ ગઠબંધનના કેટલાક બળવાખોર ધારાસભ્યોનું સમર્થન મેળવવામાં સફળ થયું, જેઓ પાછળથી ભાજપમાં જોડાયા અને પેટાચૂંટણી જીતી. ભાજપ પાસે હાલમાં વિધાનસભામાં 121 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે 70 અને જેડીએસ પાસે 30 ધારાસભ્યો છે. ભાજપે તેના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રીઓને પણ બદલ્યા, બીએસ યેદિયુરપ્પાએ જુલાઈ 2021માં રાજીનામું આપ્યું અને તેમના સ્થાને બસવરાજ બોમાઈને મુખ્યમંત્રી બનાવ્યા હતાં. કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાશે અને 13 મેના રોજ મતગણતરી થશે.