શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 એપ્રિલ 2023 (15:17 IST)

ગુજરાત ATSએ પેપરલીક કેસમાં આરોપીઓ પાસેથી પેપર ખરીદનારા 30 વિદ્યાર્થીઓની ધરપકડ કરી

જુનિયક ક્લાર્કની પરીક્ષાના કોલલેટર, કોરા ચેક, અસલ સર્ટીફિકેટ તથા અન્ય દસ્તાવેજોના આધારે કાર્યવાહી કરાઈ
જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં અત્યાર સુધી 25થી વધુ આરોપીઓ ઝડપાયા
 
 
અમદાવાદઃ આગામી 09 એપ્રિલના રોજ રાજયમાં આશરે 10 લાખ વિદ્યાર્થીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના છે. અગાઉ જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં ગુજરાત ATSએ હાલ વધુ 10 આરોપીઓની ધરપકડ કરી છે. જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે અત્યાર સુધીમાં 25થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત ATSએ આરોપીઓ પાસેથી પેપર ખરીદનારા 30 જેટલા પરીક્ષાર્થીઓની પણ ઝડપી પાડ્યા છે. 
 
ભાસ્કર ચૌધરીની ઓફિસ પર દરોડો પાડ્યો હતો
આ પેપર લીકના મુખ્ય આરોપી ભાસ્કર ચૌધરીની વડોદરા ખાતેની સ્ટેકવાઈઝ ટેકનોલોજી ઓફિસ પર દરોડા પાડીને તેની ઓફિસ ખાતેથી તથા આ કેસમાં સંડોવાયેલ અન્ય આરોપી એજન્ટોના વાહનોમાંથી આ ધરપકડ કરેલ પરીક્ષાર્થીઓના 29 જાન્યુઆરી 2022ના રોજ લેવાનાર જુનિયક ક્લાર્કની પરીક્ષાના કોલલેટર, કોરા ચેક, અસલ સર્ટીફિકેટ તથા અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતાં. 
 
પોલીસે 30 પરીક્ષાર્થીઓની ધરપકડ કરી
આ ધરપકડ કરાયેલ પરીક્ષાર્થીઓની વધુ પુછપરછ કરતાં પરીક્ષાર્થીઓને વડોદરા ખાતે સ્ટેકવાઈઝ ટેકનોલોજી ઓફિસ ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષાની આગળની રાત્રે પરીક્ષામાં પુછાનાર પ્રશ્નોની વિગતો આપવામાં આવનાર હતી. જેના બદલામાં તેઓ દ્નારા પેપરલીકના આરોપીઓને 12થી 15 લાખ રૂપિયા આપવાના નક્કી કરવામાં આવ્યું હતું. પોલીસે 30 પરીક્ષાર્થીઓની ધરપકડ કરી છે. બાકી રહેલા પરીક્ષાર્થીઓની ધરપકડ કરવાની બાકી છે. 
 
ATSએ વધુ 10 આરોપીઓની ધરપકડ કરી 
જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપરલીંક મામલે ગુજરાત ATS ટીમ ખૂબ સક્રિય જોવા મળી રહી છે અને તે એક પછી એક તમામ આરોપીઓની ધરપકડ કરી રહી છે. એવામાં હાલ જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં સંડોવાયેલા વધુ 10 આરોપી ઝડપાયા છે. જે બાદ હવે જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં અત્યાર સુધી 25થી વધુ આરોપીઓ ઝડપાયા છે.
 
ગેરરીતિ આચરનાર સામે કડક કાર્યવાહી કરાશે
હસમુખ પટેલે જૂનિયર ક્લાર્કની પરીક્ષા મુદ્દે કહ્યું હતું કે, પરીક્ષામા હાજર રહેનાર સ્ટાફને તાલીમ અપાઈ છે. ગેરરીતિ અટકાવવા બાબતનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જેથી ભવિષ્યમાં ઉદાહરણ રૂપ કિસ્સામાં  5થી 10 વર્ષ સુધીની સજા અપાવીશું.પરીક્ષાને લઈ સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે.પ્રશ્નપત્રને લઈ ગુપ્ત માહિતી બહાર પાડવી ગુનો છે અને ગેરરીતિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.નવા કાયદામાં 10 કરોડ રૂપિયા સુધીનો દંડ સહિતની અનેક જોગવાઇ છે. તેથી જો કોઇ આવી હિંમત કરતું હોય તો હું અત્યારથી જ ચેતવણી આપુ છું કે અટકી જાય કારણ કે પાછળથી જો પકડાશે તો સરકારી પરીક્ષા તો ઠીક પરંતુ આખુ જીવન બગડી જાય તેવી સજા કરવામાં આવશે.