ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 જુલાઈ 2022 (08:38 IST)

"અંગ્રેજી સારી પણ ગુજરાતી મારી" - અંગ્રેજી ના વધતા પ્રભાવ સામે ગુજરાતીને સાચવવા એક પરદાદીમાં નું જોશિલું અભિયાન....

અંગ્રેજીનો માત્ર વિશ્વમાં નહિ પણ અઠંગ ગુજરાતી કહી શકાય તેવા પરિવારોમાં પ્રભાવ વધી રહ્યો છે. ત્યારે ગરવી ગુજરાતીને જીવતી,ધબકતી, બોલાતી,સંભળાતી અને વંચાતી રાખવા, પરદાદીમાં ની ઉંમરે પહોંચેલા નિવૃત્ત શિક્ષિકા કોકિલાબેન ચોકસી ગુજરાતીના પ્રખર પ્રચારક બનીને જોશીલું અભિયાન આગળ ધપાવી રહ્યાં છે. માતૃભાષા ગુજરાતીને વિશ્વના વિવિધ ખૂણાઓમાં વસેલા ગુજરાતીઓ સુધી પહોંચાડવા આ વયોવૃદ્ધ યોદ્ધા ડિજિટલ અને ઓનલાઇન ટેકનોલોજીનો ભરપૂર વિનિયોગ કરી રહ્યાં છે.
આપણે આપણી માતૃભાષાને કદાપિ ભૂલવી ન જોઈએ એવી પ્રબળ લાગણી ધરાવતા કોકિલાબેને શિક્ષક તરીકે  વિદ્યાર્થીઓને ભણાવ્યા છે અને નિવૃત્તિ પછી આટલી જૈફ વયે સંવાદ દ્વારા  ગુજરાતી નો પ્રચાર ઉપાડ્યો છે."અંગ્રેજી સારી પણ ગુજરાતી મારી"ની પ્રેરક ભાવના ધરાવતા ગુજરાતી ભાષાના ચાહક સન્નારીનું શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં થયું પરંતુ તેઓ ગુજરાતી અને સંસ્કૃત સાથે અનુસ્નાતક થયા. જો કે તેઓ પહેલા થી જ માતૃ ભાષા ગુજરાતીના ચાહક હતા અને લઘુ કથાઓ પણ લખતાં.આમ,અંગ્રેજીમાં ભણતર વચ્ચે એમનો ગુજરાતી પ્રેમ પાંગર્યો.
તેમણે ગુજરાતી ભાષાના વ્યાપક પ્રચાર માટે ગુજરાતી સાહિત્ય ફોરમ( મંચ)ની રચના કરી છે જેના ૧૭૦૦ જેટલા સદસ્યો તેમના આ, ઘર ઘરમાં અને વિશ્વભરમાં ગુજરાતીના અભિયાનને પ્રબળ ટેકો આપી રહ્યાં છે. દર રવિવારે તેઓ ગુજરાતીના ઓનલાઇન સંવાદ વર્ગો યોજે છે અને છેલ્લા બે વર્ષમાં અત્યાર સુધી ૧૧૦ અંકો યોજી ચૂક્યા છે.આ વર્ગમાં ગુજરાતીમાં સંવાદનો આગ્રહ રાખવામાં આવે છે. ભાગ્યેશ જહા,શરીફા વીજળીવાળા જેવા પ્રખર ગુજરાતીઓ તેમના સંવાદમાં જોડાયા છે.
 
લોક ડાઉનની નવરાશ દરમિયાન તેમના દીકરા કૌશલ ચોકસી એ તેમને આ વિચાર સુઝાડ્યો અને ગુજરાતી સાહિત્ય મંચની રચના સાથે આ ગુજરાતી વધાવોનો આ પ્રયોગ ચાલુ થયો. તેઓ કહે છે કે બાળકોમાં ગુજરાતીનો પ્રેમ સિંચાશે ત્યારે જ ગુજરાતી ભાષાની ચેતના અખંડ રહેશે.
 
અગાઉ દાદા દાદીની વાર્તાઓ ઘરમાં ગુજરાતીનું વાતાવરણ જીવતું રાખતી.હાલમાં આ વાતાવરણને નવેસર થી જીવંત કરવા માટે નવી પેઢી,યુવા સમુદાય આ પ્રયાસમાં જોડાય એવી તેમની અપેક્ષા છે. તે માટે ગુજરાતીમાં કાર્ટૂન ફિલ્મો અને ચિત્ર વાર્તાઓ ઉપલબ્ધ કરાવવા જેવા આયોજનોની તેઓ હિમાયત કરે છે. કોકિલાબેન ની આ મથામણ પરિણામદાયક બને અને વ્યાપે એવી શુભકામનાઓ.