બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 ડિસેમ્બર 2022 (19:22 IST)

PMJAY કાર્ડની મર્યાદા 5 લાખ વધારી 10 લાખ કરવા માટેની કવાયત હાથ ધરાશે, કેબિનેટની બેઠકમાં નિર્ણય

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. આ બેઠકમાં આગામી પાંચ વર્ષની બ્લુ પ્રિન્ટ તૈયાર કરાઈ છે. આ બેઠકમાં હાલમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સ્થિતિ વધુ વણસે નહીં તે માટેના અટકાયતી પગલાં લેવા માટે પણ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. બીજી તરફ દ્વારકા કોરિડોરની પણ ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ PMJAY કાર્ડની મર્યાદા 5 લાખ વધારી 10 લાખ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. જેનો લાભ રાજ્યના નાગરીકોને ખૂબ ઝડપથી મળશે. ગુજરાતમાં આગામી 100 દિવસના રોડ મેપ અંગે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આગામી સમયમાં સરકાર કયા પ્રકારના કામો કરશે તેની બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરાઈ છે. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આપણા રાજ્યપાલ દ્વારા ગુજરાત વિદ્યાપીઠમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેવી જ રીતે રાજ્યની તમામ સ્કૂલો અને કોલેજોમાં પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. આ માટે એક નોડલ ઓફિસરની પણ નિમણૂંક કરી દેવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા કોરિડોર અંગે પણ આજની બેઠકમાં ચર્ચા થઈ છે. ભગવાન શ્રીકૃષ્ણની સૌથી મોટી મૂર્તિ બનાવાશે. દ્વારકાનો ઈતિહાસ બનાવતો 3D શો પણ થશે. સરકારે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સચિવોની સમિતિ બનાવી છે. જે આ કોરિડોરનો ફેઝ 1 અમલી બને તે માટે રિપોર્ટ તૈયાર કરશે.સરકારના મંત્રીઓ માટે પણ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં સોમવારે તમામ મંત્રીઓ લોકોને મળશે અને તેમની ફરિયાદો સાંભળીને તેનો નિકાલ કરવાના પ્રયત્નો કરશે. મંગળવારે મંત્રીઓ ધારાસભ્યો અને પદાધિકારીઓને મળશે. આ પહેલા પણ મંત્રીઓ માટે સૂચના આપવામાં આવી હતી કે તેઓ રવિવારે તેમના મત વિસ્તારમાં જઈ શકશે.