વિધર્મી શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીની છેડતી, બોટાદનું રાણપુર સજ્જડ બંધ
રાણપુરમાં વિધર્મી શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવતા કોળી સમાજનો આક્રોશ જોવા મળી રહ્યો છે. રાણપુર કોળી સમાજ દ્વારા શહેરમાં બોર્ડ મુકી બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે આજે આખું રાણપુર ગામ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. રાણપુરમાં માત્ર મેડિકલો અને હોસ્પિટલો જ ખુલ્લી છે.
રાણપુરમાં આવેલી કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પાસે શાળાના જાવેદ ચુડેસરા નામના લંપટ શિક્ષકે બિભત્સ માંગણી કરીને છેડતી કરી હતી. વિધર્મી શિક્ષકની કરતૂતનો ભોગ બનેલી વિદ્યાર્થિનીએ તેના પરિવારને આ અંગે વાત કરતા ગતરોજ પરિવારજનો શાળા પર પહોંચતા સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો હતો. રોષે ભરાયેલા વિદ્યાર્થિનીના પરિવારજનોએ શાળા પર હોબાળો મચાવ્યો હતો અને બાદમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રાણપુર કોળી સમાજ દ્વારા આજે રાણપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે. શહેરમાં બોર્ડ મુકીને બંધનું એલાન આપ્યું છે. લંપટ શિક્ષકને કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી રહી છે.