પાક વિમા મુદ્દે ખેડૂતોના સતત ઉપવાસનો ત્રીજો દિવસ, 2 ખેડૂતની તબિયત લથડી
બેડી માર્કેટ યાર્ડ ખાતે પાક વીમા મુદ્દે સતત ત્રીજા દિવસે ખેડૂતોએ ઉપવાસ ચાલુ રાખ્યો છે. 12 ખેડૂતો પોતાની માંગણી સાથે ઉપવાસ પર બેઠા છે. જેમાંથી બેની હાલત લથડી હોવાનું સામે આવ્યું છે. કિશોરભાઈ લક્કડ અને કિશોરભાઈ સગપરીયાની તબિયત લથડી છે. આમરણ ઉપવાસ પર સરકારને જગાડવા માટે ખેડૂતો આશ્ચર્યજનક કાર્યક્રમ આપી રહ્યાં છે. ખેડૂતો ઢોલ,નગારા,જાલર અને ડંકા વગાડી બેહરી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. હાલ 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને જે ખેડૂતોની તબિયત ખરાબ છે તેની સારવાર કરી રહી છે. તો પાક વીમા મુદ્દે ઉપાવાસ પર બેઠેલા ખેડૂતોને મળવા માટે લલિત વસોયા પણ પહોંચી ગયા છે અને તેમને સંપુર્ણ ટેકો જાહેર કર્યો છે.
લલિત વસોયાએ કહ્યું કે,'સરકાર ખેડૂતોની મજા કરી રહી છે. જેથી ખેડૂતો પરેશાન છે. સરકાર વીમા કંપનીને ફાયદો કરાવી રહી છે. કોંગ્રેસ હંમેશા ખેડૂતોની સાથે રહી છે અને હંમેશા રહેશે. આ સાથે જ કહ્યું કે ભાજપના કોઈ નેતા ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશે તો કોંગ્રેસ એને પણ સમર્થન આપશે'ટીલવાએ કહ્યું કે,'રાજકોટ જિલ્લામાં સર્વેની કામગીરી કરી દેવામાં આવી છે. આગામી 15 દિવસમાં કપાસના પાકવીમાં અંગે જાહેરાત કરવામાં આવશે અને સરકાર પારણાં કરવવા કટિબદ્ધ છે.' જો કે ખેડૂતોએ લેખિતમાં બાંહેધરી આપવાની માંગણી કરી છે. જેથી તેમણે કહ્યું કે લેખિતમાં આપવા માટે ખેતીવાડી અધિકારી અને જિલ્લા કલેકટર સહિતના અધિકારી સાથે ચર્ચા કરવામાં આવશે.
ખેડૂતોને કપાસનો પાકવીમો નહીં મળતા રોષ ફેલાયો છે. કપાસનો પાકવીમો ચૂકવવા અંગે ભારતીય કિસાન સંઘે અનેક વખત રજૂઆત કરી હતી. આમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ખેડૂતો વિફર્યા હતા અને ગુરૂવારથી ઉપવાસ પર ઉતર્યા છે. જ્યાં સુધી પાકવીમો નહીં ચૂકવાય ત્યાં સુધી ખેડૂતો ઉપવાસ કરશે. આ ઉપરાંત ભાવાંતર યોજના લાગુ કરવા અને ચેકડેમ રિપેર કરવાની પણ માંગ કરી છે. ગુરૂવારે ખેડૂતો સવારે 11.00 કલાકે બહુમાળી ભવન ચોક ખાતે એકઠા થયા હતા. જ્યાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ ખેડૂતોએ રેલી કાઢી કલેકટરને આવેદન આપ્યું હતું.