1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: જૂનાગઢ, , ગુરુવાર, 30 માર્ચ 2023 (14:35 IST)

કેશોદમાં સગા બાપે દીકરીને આગ પર ચલાવી, મેલી વિદ્યા છે કહી તેના હાથ આગમાં હોમ્યા

keshod crime news
માતા અને મોટી દીકરી સગીરાને લઈને ગામમાંથી ભાગ્યા અને તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી
પોલીસે આ ઘટનામાં 6 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી
 
આજના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાના હૃદયદ્વાવક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. જૂનાગઢના કેશોદમાં સગા બાપે 13 વર્ષની દીકરીને આગ પર ચલાવવા માટે મજબૂર કરી હતી. ક્રુર પિતાએ દીકરીને મેલી વિદ્યા છે તેમ કહી હવનમાં ધુણાવી અને તેનો બલિ ચડાવવા માટે સળગતી જ્વાળામા હાથ નખાવ્યો અને સળગતા કોલસા ઉપર ચલાવી હતી. નાની દીકરીને બચાવવા માટે માતા અને મોટી દીકરી વચ્ચે પડ્યા તો તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત દીકરીઓને જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરાઇ છે અને આ સમગ્ર મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં 6 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. 
 
દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે કેશોદના પીપળી પાસે ખોડિયાર માતાના મંદિરમાં એક પરિવાર દ્વારા માંડવાનું આયોજન કરાયું હતું.જેમાં સમાધાન કરવાનું કહીને માતાને આમંત્રણ આપ્યું હતું, જેથી માતાએ પહેલા દિવસે બે દીકરીને મોકલી હતી અને સવારે તે અન્ય એક દીકરીને લઇને આ હવનમાં ગઇ હતી. હવનમાં ગયા બાદ પરિવારજનોનું વર્તન બદલાઈ ગયું હતું. ભોગ બનનાર સગીર દીકરીએ મીડિયા સામે આપવીતી જણાવતા કહ્યું કે મને મારા ફેમિલી, પરિવારજનો, કુંટુંબીજનોએ આગ પર ચલાવી, ધૂણાવી, ખાવાનું ના આપ્યું અને મેન્ટલી હરેસમેન્ટ કર્યું. અત્યારે મને જૂનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.  
 
મોટી દીકરી અને માતાને માર માર્યો
મોટી બહેને મીડિયા સામે કહ્યું હતું કે, ત્યાં મારી બેનની બલી આપવાની વાત કરતા હતા ત્યારે હું અને મારા મમ્મી વચ્ચે પડ્યા તો અમને બંનેને માર માર્યો. મને તો કાકા, પપ્પા, કાકી બધા માર મારવા લાગ્યા હતાં. જેથી અમારી પાસે ગાડી હતી એટલે જીવ બચાવી માંડ માંડ ભાગ્યા હતાં. માતાએ પણ આપવિતી જણાવતાં કહ્યું કે, અહીં બે દિવસથી છોકરીને ધૂણાવે છે. પછી કહે માતાજી નથી આવતા તને મેલી વિદ્યા છે. આગ પર મારી છોકરીને ચલાવીને દઝાડી. હું વચ્ચે પડી તો મને કહેવા લાગ્યા કે તારી છોકરીની બલિ દઇ દેવી છે.