રાજ્ય સરકાર મેડિકલ, ડેન્ટલ, ઈજનેરી સહિતના અભ્યાસક્રમોમાં થયેલો ફી વધારો સ્થગિત કરી એક સત્રની ફી માફ કરેઃ કોંગ્રેસ
કોરોના મહામારીના કપરાકાળમાં મેડીકલ,ડેન્ટલ,પેરામેડીકલ અને ઈજનેરી, ફાર્મસી સહિતના વ્યવસાયિક અભ્યાસક્રમોમાં ફી વધારો સ્થગિત કરીને એક સત્રની ફી માફીનો નિર્ણય તાત્કાલીક જાહેર કરવાની રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે કે મહામારી વચ્ચે રાજ્યની ખાનગી મેડીકલ કોલેજોઓ એ આ વર્ષની ફી માં 29 હજાર થી 83 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો તે કેટલે અંશે વ્યાજબી છે? ફી ઘટાડાની જ્યારે અતિ જરૂરિયાત છે તેવા સમયે ફી વધારો કરવાથી મધ્યમ વર્ગની મુશ્કેલીઓ વધી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર શા માટે ખાનગી કોલેજોના સંચાલકોની વકીલાત-તરફેણ કરી રહી છે? સમગ્ર વર્ષમાં કોલેજ કેમ્પસમાં એક દિવસ પણ શિક્ષણ કાર્ય શરૂ થયું નથી છતા કોલેજ સત્તાવાળા ફીની ઉધરાણી કરી રહ્યા છે તે કેટલે અંશે વ્યાજબી છે? રાજ્યમાં છ સરકારી, સોસાયટીની આઠ અને સેલ્ફ ફાઈનાન્સ 15 કોલેજોમાં 5500 બેઠકો છે. સરકારી કોલેજમાં 25 હજાર વાર્ષિક ફી, સોસાયટીની કોલેજમાં 3.50 થી 15 લાખ અને સેલ્ફ ફાયનાન્સમાં 8 લાખ થી 28 લાખ સુધીની ફી વસૂલવામાં આવી રહી છે. કોરોના મહામારીમાં 21 માર્ચ થી શૈક્ષણીક સંસ્થાઓમાં શૈક્ષણીક કાર્ય સંપૂર્ણ બંધ છે. ડીસેમ્બર મહિનો પૂર્ણ થયા પછી હજુ ક્યારે શિક્ષણ શરૂ થાય તે અંગે હજી અનિશ્ચિતતા છે. આ સંજોગોમાં જ્યારે શિક્ષણ જ 14 મહિના જેટલા સમયથી સંપૂર્ણ બંધ છે ત્યારે, મેડીકલ કોલેજો સહીતની સંસ્થાઓમાં વહીવટી ખર્ચ, લેબોરેટરી ખર્ચ, મેઈન્ટેનન્સ ખર્ચ, ઈલેક્ટ્રીસીટી ખર્ચા થયા નથી. આ સંજોગોમાં રાજ્યના મેડીકલ - પેરામેડીકલ શિક્ષણ અને ઈજનેરી, ફાર્મસી વ્યવસાયિક અભ્યાસક્રમો સહિત ઉચ્ચ શિક્ષણના વિવિધ અભ્યાસક્રમોમાં એક સત્રની ફી માફ કરવા મુખ્યમંત્રી અને રાજ્યપાલને કોંગ્રેસ દ્વારા રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી. ડૉ. મનિષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી મેડીકલ કોલેજની વાર્ષિક ફી 6 લાખ રૂપિયાથી 8 લાખ 70 હજાર (સ્ટેટ ક્વોટા) સુધીની છે. આટલી ઉંચી ફી હોવાના લીધે અનેક વાલીઓને પોતાના સંતાન માટે મિલકત ગીરવે મુકવી પડે, વ્યાજે નાણાં લેવા પડે, દાગીના વેચવાની તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. આ યોજના 2015-16 માં ખાનગી કોલેજની વાર્ષિક ફી રૂ. 4 લાખ થી ઓછી હતી. હવે તે ફીનું ધોરણ વર્ષ 2020-21માં લગભગ બમણાંથી વધુ થયું છે. ત્યારે, વાર્ષિક આવકની મર્યાદા પણ MYSY યોજનામાં 8 લાખ કરવી જોઈએ. કોરોના વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ વ્યવસ્થા પર અસર થઈ હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે.