ગુજરાતના કરણીસેના પ્રમુખે કહ્યું શાંતિ જાળવો નહીં તો રાજીનામું આપીશ
કરણી સેનાના ગુજરાત પ્રમુખ રાજભા શેખાવતે કહ્યું કે, કાર્યકરો શાંતિ જાળવે અને શાંતિ જાળવવામાં મદદ કરે, તોફાની તત્વો અને અસામાજીક તત્વો પણ આ વિરોધમાં જોડાઈ ગયા છે જેને કારણે કાયદો વ્યવસ્થા ખોરવાઈ છે. જો તોફાનો બંધ નહીં થાય તો હું રાજીનામુ આપી દઈશ. તેથી તોફાનો બંધ કરી શાંતિપુર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરીશું. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, નવસારી, વડગામ, થરાદ, ધોળકા, રાજકોટ વગેરે શહેરો જિલ્લાઓમાં આગચંપીથી માંડી તોડફોડ સહિતના બનાવો
ફિલ્મ પદ્માવતીના વિરોધને લઈને બન્યા છે. કરણી સેના દ્વારા આ વિરોધ પ્રદર્શનને પગલે થઈ રહેલા તોફાનોને જાકારો અપાયો છે. કરણી સેનાના નામે કેટલાક અસામાજીક તત્વો આંદોલનમાં જોડાઈ ગયા છે અને આ પ્રકારની કાયદાને હાથમા લેવાની વૃત્તિથી તોફાનો કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે કરણી સેનાએ પોતાના કાર્યકરોને હિંસા અને તોફાનો અટકાવવાનો અનુરોધ કર્યો છે. અહીં સુધી કે આ વિરોધમાં એક મહિલા પોલીસ કર્મીની છેડતી તેમજ એક પીઆઈ કક્ષાના પોલીસ અધિકારીને ધક્કે ચઢાવવા સહિતના બનાવો બન્યા છે. કરણી સેનાએ આ તમામ અઘટીત ઘટનાઓને નિંદનીય ગણી છે. કરણી સેનાએ આ અંગે કાર્યવાહીની પણ માગ કરી છે. ઈન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમારે પણ શાંતિ જાળવવાની અપીલ સાથે વિરોધને અર્થહીન ગણાવતા કડક કાર્યવાહી કરવાની વાત ઉચ્ચારી છે.