શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 જાન્યુઆરી 2018 (12:19 IST)

વિદેશમાં નોકરીની લાલચ આપી છેતરનારા એજન્ટો સામે કડક હાથે કામ થશે: ગૃહ રાજ્ય પ્રધાન જાડેજા

ભારતીયો વિદેશમાં રોજગાર મેળવવા જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના યુવાનો-નાગરિકો છેતરાય નહી તે માટે રિક્રુટીંગ એજન્ટની નુકશાનકારક પ્રવૃત્તિ ડામવા રાજ્ય સરકારે કડક વલણ દાખવ્યું છે. રાજ્યમાં ૧૦ કેસો ધ્યાનમાં આવ્યા છે તે પૈકી ૮ કેસમાં ગુનાઓ નોંધીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે, એવું ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે વિદેશમાં નોકરીની લાલચ આપી ગેરકાયદેસર કે નહીં નોંધાયેલ રિક્રુટીંગ એજન્ટની નુકશાનકારક પ્રવૃત્તિને ડામવા માટે યોજાયેલ ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં જાડેજાએ વધુમાં જણાવ્યું હતુ કે, ભારતનું વિદેશ મંત્રાલય, નોંધાયેલા રિક્રુટીંગ એજન્ટો મારફતે વિદેશમાં નોકરી માટે જવાની સવલત આપે છે, તેમ છતાં ગેરકાયદેસર રિક્રુટીંગ એજન્ટ ભોળા યુવાન વર્ગને વિદેશમાં સારા પગારવાળી નોકરીની લાલચ આપી તેમને છેતરતા હોય છે તેથી વિદેશમાં નોકરી વાંચ્છુકનું શોષણ થાય છે અને હેરાનગતિ ભોગવવી પડે છે. આ પ્રકારની હેરાનગતિ થાય નહીં અને ગેરકાયદેસર રિક્રુટીંગ એજન્ટો દ્વારા ચાલાકીપૂર્વક આચરવામાં આવતી ગેરરીતિ અને ભ્રષ્ટ્ર રીતરસમોનો ભોગ સામાન્ય નાગરિકો ન બને તે માટે ગેરકાયદેસર રિક્રુટીંગ એજન્ટો વિરુદ્ધની કેન્દ્ર સરકાર તરફથી મળેલ ફરીયાદો સંદર્ભે રાજ્ય સરકારે કડક હાથે કામગીરી હાથ ધરી છે.