ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની ગુજરાત રાજ્યમાં વાતાવરણની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે. ગરમીનો પારો 43 ડિગ્રીને આંબી જશે. જેનાથી દિવસે આકરી ગરમી તો રાત્રે ઉકળાટનો અનુભવ થશે.
સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની શક્યતાઓ છે. આ ઉપરાંત કેટલાક શહેરોમાં સિવિયર હિટવેવની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 20 કિલોમીટરના અંતર સુધીમાં ડિસ્કમ્ફર્ટની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છનો અખાત, સમગ્ર સૌરાષ્ટ્ર પંથક અને ખંભાતના અખાત સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજવાળી હવાને કારણે અકળામણનો અનુભવ થશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાક દરમિયાન દીવમાં સામાન્ય તાપમાન કરતા 6.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધીને છેલ્લા 24 કલાક દરમિયાન 40.5 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે આગામી પાંચ દિવસ હજુ પણ સિવિયર હીટવેવની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય કેટલાક શહેરો જેવા કે કચ્છ, ભાવનગર અને પોરબંદરમાં હીટવેવની શક્યતા છે. જેમાંથી આજે અને આવતીકાલે કચ્છમાં હીટવેવની આગાહી છે. જ્યારે આગામી બે દિવસ ભાવનગરમાં પણ હીટવેવની શક્યતા છે. પરંતુ ત્રીજા દિવસે એટલે કે 2 મેના રોજ ભાવનગર શહેરમાં હીટવેવની શક્યતાનું પ્રમાણ ઓછું છે. ત્યારબાદ ચોથા અને પાંચમા દિવસે ફરી એકવાર ભાવનગરમાં પણ હીટવેવની શક્યતા છે. વધુમાં જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસ રાજ્યભરમાં વાતાવરણ યથાવત્ રહેશે. ત્યારબાદ મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 40થી 41 ડિગ્રી વચ્ચે નોંધાઈ શકે છે. તાપમાનમાં વધારો થઈને આગામી પાંચ દિવસ દરમિયાન 42-43 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન પાંચ દિવસ દરમિયાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે