1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 30 જાન્યુઆરી 2022 (15:37 IST)

દુનિયાના સૌથી મોટા બ્રિટિશ સામ્રાજ્યની ગુલામીમાંથી દેશને મુક્ત કરવાનું ગાંધી- સંકલ્પબળ આપણા સૌ માટે પ્રેરણાસ્ત્રોત – અમિત શાહ

Gandhi's determination to liberate the country from the slavery of the world's largest British Empire - a source of inspiration for all of us
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે શહિદ સ્મૃતિ અને ગાંધી નિવાર્ણ દિન નિમિત્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ હાઉસ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ભીંતચિત્રના અનાવરણ પ્રસંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સાદગી, સ્વદેશી, સ્વભાષા, સત્યાગ્રહ અને સાધનશુદ્ધિ જેવા વિચારો ભારતના પુન: નિર્માણ માટે આજે પણ એટલા જ મહત્વના  અને પ્રસ્તુત છે. આ  ભીંત ચિત્ર  ભારતના હસ્ત-કારીગરો દ્વારા  નિર્મિત 2,975 માટીની કુલડીમાંથી  તૈયાર કરવામાં આવ્યું છે. અમિત શાહે  આ અનાવરણ પ્રસંગે જનસમૂહને સંબોધતા કહ્યું કે, દુનિયાના સૌથી મોટા બ્રિટિશ સામ્રાજ્યની ગુલામીમાંથી દેશને મુક્ત કરવાનું ગાંધી- સંકલ્પબળ આપણા સૌ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે.
 
આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “આઝાદીનો અમૃત મહોત્સવ” ની ઉજવણીનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં કહ્યું કે,  આ મહોત્સવના પગેલ 1857 થી લઈને 1947 સુધી ભારતની સ્વતંત્રતા માટે સર્વસ્વ ન્યોછાવર કરનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાન વિશે ભારતની ભાવિ પેઢી માહિતગાર થશે. તેમણે એમ પણ જણાવ્યું કે, આ અમૃત મહોત્સવ એ આપણને ભારતની આઝાદીના 100 વર્ષના લક્ષ્યાંકો નિર્ધારિત કરવાનો પણ અવસર પૂરો પાડે છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂજ્ય બાપુના ખાદી, સ્વદેશી, સ્વભાષા અને હસ્તશિલ્પ જેવા વિચારોને પુનર્જીવિત કરવાનું પ્રસંશનીય કાર્ય પણ કર્યું છે. તેમણે ઉમેર્યું કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખાદીની ખરીદી કરીને તે વિચારને બળ પુરુ પાડવાનો આરંભ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે “ખાદી ફોર નેશન” સાથે “ખાદી ફોર ફેશન” નું સૂત્ર પણ જોડ્યું.  
 
અમિત શાહે આ અવસરે બાપુના જીવનમાંથી સૌ નાગરિકોને પ્રેરણા લેવાનો અનુરોધ કરતા કહ્યું કે, પૂજ્ય બાપુ મૂક તપસ્વી અને કર્મયોગીનું જીવન જીવ્યા અને તેમનું જીવન જ તેમનો સંદેશ બની રહ્યું. કેન્દ્રીય ગૃહમંત્રીએ નાગરિકોને સ્વભાષા સાથેનો નાતો જાળવી રાખવાનો અનુરોધ કરતાં કહ્યું કે, જો આપણે સ્વભાષા સાથેનો નાતો તોડીશું, તો આપણો સંસ્કૃતિ સાથેનો નાતો પણ તૂટશે. 
 
ગૃહમંત્રીએ આ અવસરે ઉપસ્થિત નાગરિકોને ખાદીનો ઉપયોગ કરીને દેશના ગરીબોને ગૌરવભેર જીવન જીવવાનો અવસર આપવા માટે પણ અપીલ કરી હતી. તેમણે વર્તમાન સમયમાં પણ ખાદી એટલી જ પ્રાસંગિક છે તેમ ઉમેર્યું હતું.  કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રીએ આ અવસરે માટીના કૌશલ્યકારોને ઈલેક્ટ્રીક ચાકડાનું અને મધ-ઉત્પાદન સાથે સંકળાયેલા ઉદ્યમીઓને મધમાખી ઉછેર માટેની પેટી ઓનું વિતરણ કર્યું હતું.