1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 16 જાન્યુઆરી 2022 (11:40 IST)

અમિત શાહની બહેનની તબિયત બગડતાં 10 મિનિટમાં 108ની ટીમે હોસ્પિટલ પહોંચાડ્યા, શાહે સ્ટાફની પીઠ થપથપાવી

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા અર્જુન ટાવરમાં રહેતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની બહેનની તબિયત અચાનક બગડતાં ગઈકાલે રાત્રે વૈષ્ણવ દેવી પાસેની કેડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સમાચાર મળતા જ અમિત શાહ હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાંથી તેમને કિડની હોસ્પિટલ લઈ ગયા હતા. અમિત શાહ 108 ની ટીમને મળ્યા હતા અને તેમની ત્વરિત સેવાની પ્રશંસા કરી હતી. સાથે જ તેમના ભત્રીજાએ પણ 108 સ્ટાફના વખાણ કર્યા હતા.
 
અમિત શાહના બહેનને સમય સર હોસ્પિટલમાં પહોંચાડનારા બોડકદેવ લોકેશનનાં 108 એમ્બ્યુલન્સના પાયલોટ અને પેરામેડિકલ સ્ટાફે મીડિયા સાથે વાતચીત કરી હતી. પાયલોટ રવિન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું કે, 14 તારીખે મારી નાઇટ શિફ્ટ હતી. આઠ વાગ્યે હું નોકરી પર આવ્યો હતો. મારી સાથે એમ્બ્યુલન્સમાં પેરામેડિકલ સ્ટાફમાં પરેશ પટેલ હતા. એક દર્દીનો કોલ પુરો કરી અમારા લોકેશન તરફ જઇ રહ્યા હતા. ત્યારે 09.45 વાગ્યે સુરધારા સર્કલ નજીક પહોંચ્યા હતા. કોલ મળ્યો કે ઘાટલોડીયા સી.પી નગર નજીક આવેલા અર્જુન ટાવરમાં એક ઇમરજન્સી છે. 
 
108 ઇમરજન્સી સર્વિસ પીઆરઓ વિકાસે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની બહેનની તબિયત બગડતાં ઘાટલોડિયાના અર્જુન ટાવરથી 108ને ફોન કરવામાં આવ્યો હતો. અમને ફોન આવ્યો હતો કે ઉલ્ટી અને ચક્કર આવવાને કારણે તેમની તબિયત બગડી છે. પ્રાથમિક સારવાર બાદ તેમને કિડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
 
બોડકદેવ 108ની ટીમે આ કેસ હેન્ડલ કર્યો હતો. ટીમ પાંચ મિનિટમાં ઘરે પહોંચી અને તેમને કેડી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. અમિત શાહના ભત્રીજા દર્શન શાહે પણ બોડકદેવની ટીમના ઝડપી કાર્યની પ્રશંસા કરી હતી.  અમિત શાહે આ કામગીરીની નોંધ લેતા 108ની સમગ્ર ટીમ અને બહેનને કેડી હોસ્પિટલ લઇ જનારા સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.