ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 ઑક્ટોબર 2021 (10:07 IST)

Weather Update - છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડીનો ચમકારો, આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે

પ્રશાંત મહાસાગરમાં લા નીનાની સ્થિતિ સર્જાવાના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે
અમદાવાદમાં પણ ધીમે ધીમે ફૂલ ગુલાબી ઠંડીની અસર થઈ રહી છે
 
સમગ્ર દેશમાં ચાલુ વર્ષે કાતિલ ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં આગામી સપ્તાહે તાપમાન 13 ડિગ્રી સુધી ગગડી જશે. દિવાળી સુધી સમગ્ર ભારતમાં ઠંડીનું મોજું પ્રસરશે.હવામાન વિભાગના કહેવા પ્રમાણે પ્રશાંત મહાસાગરમાં લા નીનાની સ્થિતિ સર્જાવાના કારણે ચાલુ વર્ષે ઠંડી વધારે પડશે.ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં ત્રણ-ચાર દિવસમાં ઠંડીનો ચમકારો જોવા મળશે અને એ પછી તબક્કાવાર ઠંડી વધતી જશે. રાજ્યમાં હવે ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ગાંધીનગરમાં છેલ્લા બે ત્રણ દિવસથી તાપમાન નીચું રહેતા ઠંડીમાં વધારો થયો છે. હવે અમદાવાદમાં પણ ઠંડા પવનો શરૂ થવાથી ઠંડીમાં વધારો થયો છે. 
 
વહેલી સવારે અને રાત્રે ઠંડીની અસર વધી 
નવેમ્બર મહિનાની અને દિવાળીની શરૂઆત થતા પહેલા જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. ઓક્ટોબરના અંતમાં દિવસે ગરમી અને રાતે ઠંડી એમ બેવડી સીઝનનો અનુભવ સ્થાનિકો કરી રહ્યા છે. રાજ્યમાં ઉત્તર પૂર્વ જિલ્લામાં વહેલી સવારથી ઠંડા પવનોનો અનુભવ જોવા મળી રહ્યો છે.શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ સ્થાનિકો કરી રહ્યા છે. વહેલી સવારે અને રાતના સમયે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 3 દિવસમાં 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતાઓ જણાઈ રહી છે. બેવડી સીઝનના કારણે લોકોએ હાલાકીનો સામનો પણ કરવો પડી શકે છે.
 
ગુજરાતમાં હવે ઠંડીની અસર વધી રહી છે
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતાં હવે શિયાળાનો પ્રારંભ દેખાઇ રહ્યો છે. બપોરે ગરમી પરંતુ મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ગત રાત્રિએ ગાંધીનગર ૧૩ ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું. ગાંધીનગર ઉપરાંત રાજ્યના 12  શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે રહ્યો હતો. જેમાં નલિયામાં 16.3, અમરેલીમાં 16.8, કંડલામાં 16.9, ડીસામાં 17.8, સુરેન્દ્રનગર-મહુવા-અમદાવાદ-કેશોદમાં 18, રાજકોટમાં 18.3, પોરબંદરમાં 18.6, વડોદરામાં 20.3, સુરતમાં 22.4 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
 
દિવાળીમાં ઠંડી લોકોને થથરાવી નાંખશે
હવામાન વિભાગના મતે આગામી 4થી 5 દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. આગામી 2થી 3 દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર નહીં થાય પરંતુ ત્યારબાદ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટતાં દિવાળી વખતે ઠંડી વધુ અનુભવાઇ શકે છે. અમદાવાદમાં 18 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે દિવસ દરમિયાન 33.9 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન રહ્યું હતું.